છૂટક મજૂરી કરી માંડ માંડ ઘરનું ગાડું ચાલે છે, એવામાં આયુષ્યમાન ભારત યોજના અમૃત સમાન બની : લીલાબહેન વસાવા
અનુસૂચિત જનજાતિ ધરાવતું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના છેવાડે આવેલું અંધારી ગામ કે, જ્યાં આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગળાના કેન્સરથી પીડિત લીલાબહેન વસાવા કરાવી સારવાર
પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારના રૂ.5 લાખ માંગતા સારવાર કઈ રીતે થશે તેવો પ્રશ્ન ઊભો થયો હતો, આયુષ્યમાન કાર્ડથી સારવાર શક્ય બની : લીલાબહેન વસાવા
એક નહીં પરંતુ આયુષ્યમાન કાર્ડ હેઠળ બે વખત ઓપરેશન કરાવ્યું છે : લીલાબહેન વસાવા
અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું અંધારી જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે, જ્યાં માત્ર અનુસૂચિત જનજાતિના લોકો જ વસે છે. આ ગામના વતની શ્રીમતી લીલાબહેન વસાવા કે, જે પોતે છેલ્લા ઘણા વર્ષોથી ગળાના કેન્સરથી પીડાતા હતા. ગળાના કેન્સરનું નિદાન થતાં લીલાબહેન અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા. ત્યાં સારવાર હેઠળ રૂ. પાંચથી છ લાખનો ખર્ચ થશે, તેની જાણ થતાં લીલાબેન તેમજ તેમના પરિવારજનો ભાંગી પડ્યાં હતાં.
શ્રીમતી લીલાબહેનની સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ ચાલે છે. આ યોજનાનો લાભ મળ્યો તેની ખુશીમાં લીલાબહેન જણાવે છે કે, છૂટક મજૂરી કરી માંડ માંડ ઘરનું ગાડું ચાલતું હોય ત્યાં સારવાર માટે પાંચથી છ લાખ રૂપિયા કઈ રીતે કાઢવા તે પ્રશ્ન અઘરો બન્યો હતો. અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. દયનીય સ્થિતિમાં રહેતા હોવાથી પોતાની સારવાર નહિ થાય, એવું માની મન મનાવી લીધું હતું.
તાલુકા પંચાયતથી લીલાબહેનના પરિવારજનોને આયુષ્યમાન ભારત યોજનાની જાણકારી મળી હતી. જાણકારી મળતા તેમણે યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ તેમજ ઈ-ગ્રામના સેન્ટર પર જરૂરી પુરાવા રજૂ કરીને કાર્ડની નોંધણી કરાવી હતી. પાંચ વર્ષ પહેલા ગળાના કેન્સરનું ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવ્યું હતું. પરંતુ કેન્સરે ઊથલો મારતાં ડોક્ટરે ફરી ઓપરેશન કરાવવાનું જણાવ્યું હતું ત્યારે ફરી એક વખત આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ થકી મેં મારું ઓપરેશન બીજી વખત પ્રાઇવેટ હોસ્પિટલમાં સરળતાથી કરાવ્યું હતું. હાલમાં પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ મારી સારવાર ચાલુ છે.
સારવાર તથા દવાઓ સુધીની બધી સુવિધા આ કાર્ડ હેઠળ મને મળતા એક મોટો ભાર ઓછો થયો છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર થતાં પરિવારજનો નિશ્ચિત થયા હતા. તેઓ જણાવે છે કે, આયુષ્માન કાર્ડ હેઠળ તેમણે એક નહીં પરંતુ બે વખત પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે.
લીલાબહેન જણાવે છે કે, આને હું મારો પુનર્જન્મ ગણું છું. આ નવું જીવન આયુષ્યમાન ભારત યોજનાની દેન છે. મારો પૂરો પરિવાર આ યોજના હેઠળ પોતાને સુરક્ષિત અનુભવે છે, જે બદલ મારો પરિવાર અને હું મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીના આભારી છીએ. લીલાબહેનને આ યોજનાનો લાભ મળ્યા પછી પોતાના ગામના લોકોને પણ આ યોજના પ્રત્યે જાગૃત કરે છે અને તેમની મદદ કરે છે.
રાજ્યના તમામ વિસ્તારો ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્ય સ્થળ સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા ₹1600 કરોડની આર્થિક જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા પરિવારો માટે સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે PMJAY અને મા વાત્સલ્ય યોજનાને જોડીને ‘PMJAY-મા યોજના’ હેઠળ ગુજરાતના આશરે 85 લાખ પરિવારોને ₹10 લાખના આરોગ્ય કવચથી સુરક્ષિત કર્યા છે. અહેવાલ ◆ શ્રુતિ જૈન પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ