છેડતીખોરો સામે યોગીનુ ‘મિશન દુરાચારી’
લખનૌ, મહિલાઓની છેડતી રોકવા માટે યુપી સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે.જેનુ બીજા રાજ્યોએ પણ અનુકરણ કરવા જેવુ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કરેલા નિર્ણય પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ મહિલાઓની છેડતી કરતા પકડાશે તો તેના પોસ્ટર શહેરમાં લગાવવામાં આવશે.સીએએના કાયદા સામે જ્યારે યુપીમાં તોફાનો થયા હતા ત્યારે પણ યોગી સરકારે તોફાનીઓના પોસ્ટરો લગાડયા હતા. યુપી સરકારે છેડતીની ઘટનાઓ અટકાવવા માટે મિશન દુરાચારી અમલમાં મુકવાનુ નક્કી કર્યુ છે.જેના ભાગરુપે મહિલા પોલીસ કર્મીઓને જવાબદારી આપવામાં આવશે.
યોગીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, છેડતીખોરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.તેમને મહિલા પોલીસ કર્મીઓ દ્વારા જ સજા કરવામાં આવે અને જ્યાં પણ મહિલાઓ સાથે કોઈ અપરાધ થશે તો તે માટે તે વિસ્તારના બીટ ઈન્ચાર્જ, ચોકી ઈન્ચાર્જ અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને જવાબદાર ગણવામાં આવશે.