છેડતીથી બચવા વિદ્યાર્થિનીએ ચાલુ ટ્રેનમાંથી કૂદકો માર્યો

સમસ્તીપુર, બિહારના સમસ્તીપુરમાં જનસાધારણ એક્સપ્રેસથી પોતાના ઘરે જતી એક વિદ્યાર્થિનીએ છેડતીથી પરેશાન થઈને ચાલુ ટ્રેને કૂદકો મારી દીધો છે. તે ગ્રામીણોને ટ્રેકના કિનારે ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
છોકરીના બંને પગ, હાથ અને માથામાં ગંભીર ઈજા આવી છે. તેના દાંત પણ તૂુટી ગયા છે. તે મુઝફ્ફરપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ટ્રેનથી બરૌનીથી તેના ઘરે આવતી હતી.
હોસ્પિટલમાં દાખલ થયેલી વિદ્યાર્થિની બપોરે 3.15 વાગે મુઝફ્ફરપુરથી બરૌની જવા માટે જનસાધારણ ટ્રેનમાં નીકળી હતી. તે જ્યાં બેઠી હતી ત્યાં 6 છોકરા હતા. તેઓ ગંદી ગંદી કોમેન્ટ કરતા હતા. તેણે ના પાડી તોપણ તેઓ તે છોકરીને અડતા હતા. એને કારણે તે ગભરાઈ ગઈ હતી. સ્થિતિ ખરાબ થતાં તે કોચના દરવાજા પાસે આવી ગઈ હતી.
મદદ માટે તેણે ઘરે ફોન કરતી હતી ત્યારે છોકરા લોકો ફોન ખેંચવા મંડ્યા હતા અને ફરી પાછું અડવાનું શરૂ કરી દીધું હતું. ટ્રેનમાં ઘણા લોકો, પરંતુ કોઈ મદદ માટે આગળ ના આવ્યું. શું કરે એ સમજાતું નહોતું, તેથી તેણે ટ્રેનમાંથી કૂદવાનું જ નક્કી કર્યું.
છોકરીએ કહ્યું, તે આરોપીઓને નથી ઓળખતી. છોકરી ANMની વિદ્યાર્થિની હતી. છોકરી જ્યાં પડી ત્યાંથી ગ્રામીણોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. છોકરીના બંને હાથ, પગ અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ટ્રેનમાંથી કૂદવાને કારણે તેના દાંત પણ તૂટી ગયા હતા.
છોકરી બેગુસરાય જિલ્લામાં રહે છે. તે પોતાના ઘરે પરત આવી રહી હતી. રેલવે સુરક્ષા સેના પોસ્ટના પોલીસ અધિકારી એનકે સિન્હાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પહેલાં છોકરીની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ત્યાર પછી છોકરી સાથે વાત કરીને તેનાં પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની હાલત ગંભીર લાગતાં તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે.
આ સમગ્ર ઘટના વિશે સમસ્તીપુર જીઆરપી પોલીસ સ્ટેશન અધિકારી અચ્છેલાલ સિંહ યાદવે કહ્યું કે ટ્રેનમાંથી પડ્યાની માહિતી મળે છે. ઘટનાસ્થળે જોઈને ઘટનાની તપાસ કરવામાં આવી છે. આરોપીઓની હજી ઓળખ થઈ નથી. ઓળખ થતાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે.