છેડતીનો વિરોધ કરતા પત્રકારને તોફાનીઓએ ગોળી મારી: પાંચની અટકાયત
ગાઝીયાબાદ. છેડતીનો વિરોધ કરનાર પત્રકારને સોમવાર રાત્રે ગાઝિયાબાદમાં ગોળી મારી દેવામાં આવી હતી. તેની સ્થિતિ ગંભીર છે. પત્રકારનું નામ વિક્રમ છે. પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે. પુછપરછ કરવામાં આવી રહી છે. બનાવની વિગતો મુજબ પત્રકાર વિક્રમ સોમવાર રાતે બે પુત્રીઓ સાથે બાઈક ઉપર જઈ રહ્યો હતો. ત્યારે અમુક લોકોએ તેને રોક્યો અને મારપીટ કરી. ત્યાર પછી બન્ને પુત્રીઓ ડરના કારણે ભાગવા લાગી. તોફાનીઓએ વિક્રમના માથામાં ગોળી મારી દીધી. તેને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઘટનાના CCTV ફૂટેજ મળ્યા છે.
આ કેસમાં પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે. SSP કલાનિધી નૈથાનીએ જણાવ્યું હતું કે આરોપીઓની પુછપરછ ચાલું છે. હજુ ઘટનાનું કારણ જાણી શકાયું નથી. ટૂક સમયમાં તેનો ખુલાસો થશે. પરીવારજનોએ પોલીસ ઉપર આરોપ લગાવ્યો છે કે તોફાનીઓ પત્રકારની ભાણીની છેડછાડ કરતા હતા. તેની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરી નથી. તોફાનીઓ ફરીયાદથી નારાજ હતા.