છેલ્લાં ૧૦ વર્ષથી કોંગ્રેસના પ્રવક્તા રહેલા સચિન સાવંતે આપ્યું રાજીનામું

મુંબઇ, છેલ્લાં ૧૦ વર્ષથી મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના પ્રવક્તા તરીકે સારી કામગીરી બજાવનાર મુંબઈ કૉન્ગ્રેસના નેતા સચિન સાવંતે પ્રવક્તાના પદેથી રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ પદાધિકારોની નિમણૂક કરી હતી અને એમાં તેમણે કૉન્ગ્રેસના પ્રવક્તા તરીકેની જવાબદારી અતુલ લોંઢેને સોંપી હતી. એથી એવું કહેવાય છે કે નારાજ થયેલા સચિન સાવંતે તેમનું રાજીનામું કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ સોનિયા ગાંધીને મોકલાવી આપ્યું હતું. અતુલ લોંઢે નાના પટોલેના અંતરંગ વર્તુળના એક સભ્ય છે.
સચિન સાવંત છેલ્લાં ૧૦ વર્ષથી તેમની પ્રવક્તાની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી રહ્યા હતા. વચ્ચે તેમને વિધાનપરિષદમાં મોકલવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. સચિન સાવંત બીજેપીને અનેક મુદ્દે બરાબર ઘેરતા હતા અને કૉન્ગ્રેસની ભૂમિકા શું છે એ લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચે એ માટે કામ કરતા હતા.
એ સિવાય પક્ષ સતત ચર્ચામાં રહે એ જવાબદારી પણ તેમના શિરે હતી. અતુલ લોંઢે પ્રવક્તાપદે નિયુક્ત થતાં નારાજ સચિન સાવંતે રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે રાજીનામું આપ્યા બાદ તેમના ટિ્વટર હૅન્ડલ પરથી સ્પોક્સ પર્સન (પ્રવક્તા)નું ટૅગ પણ કાઢી નાખ્યું હતું.SSS