છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા સિરિયલ કિલરની ધરપકડ
અમદાવાદ: છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર સિરીયલ કિલર નિલેશ ઉર્ફે નિલયની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો નિલય બ્લેડથી હત્યા કરવાની ટેવવાળો છે અને તેણે આ પ્રકારે છ જેટલી હત્યાને અંજામ આપ્યો હતો. એટલું જ નહી, તે ૨૬ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, માત્ર રૂ.૫૦૦થી ૭૦૦ જેવી નજીવી રકમ માટે આ સાઇકીક સિરીયલ કિલર લોકોની હત્યા કરી નાંખતો હતો.
તેના આ આ ગુનાહિત કૃત્યમાં ખુદ તેની પ્રેમિકાએ પણ સાથ આપ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. રાજકોટમાંથી સિરીયલ કિલર નિલય મહેતા પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો અને છેલ્લા એક વર્ષથી તે નાસતો ફરતો હતો. નિલય મહેતા પર ૬ જેટલી હત્યાનો આરોપ છે.
આરોપી રૂપિયા ૫૦૦થી ૭૦૦ જેવી નજીવી રકમ માટે આંખના પલકારામાં ગળું કાપીને ક્રૂર હત્યા કરતો હતો. જેમાં તેણે રાજકોટમાં ચાર અને સુરેન્દ્રનગરમાં બે હત્યાને અંજામ આપ્યો હતો અને આ હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. જેમાં પેરોલ પર છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી,
જા કે, એક વર્ષની ભારે મહેનત અને શોધખોળ બાદ સિરીયલ કિલરને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. સિરીયલ કિલરને પકડી પાડવા બદલ રાજકોટ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ધખડા અને ટીમને રૂ.૧૫ હજારનું ઇનામ જાહેર કર્યું હતું. પીએસઆઈ પી.એમ ધાખડાએ જણાવ્યું હતું કે, સિરીયલ કિલર નિલય મહેતા અવારનવાર રાજકોટ ૮૦ ફૂટના રોડ પર કોઈને મળવા આવતો હતો.
જેથી ત્રણ મહિનાથી તેને ટ્રેક કરતા હતા. બાતમી મળી હતી કે, તે રાજકોટ આવ્યો છે વોચ ગોઠવી પકડી લીધો હતો. અહીં હત્યા કરવાના ઈરાદો હતો કે અન્ય કારણ માટે અહીં આવ્યો હતો તે રિમાન્ડ દરમિયાન જાણવા મળશે. ખૂંખાર સિરીયલ કિલર નિલયના પિતા રાષ્ટ્રીય શાળામાં ખાદી વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. નિલય પણ મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં ધોરણ-૧૦ સુધી ભણ્યો હતો. અભ્યાસમાં રૂચી ન હોવાથી ભણવાનું બંધ કરી સવારે અખબાર વિતરણ અને બાકીના સમયમાં વોચકેસના કારખાનામાં નોકરી શરૂ કરી. વોચ કેસના કારખાનામાં સાથે કામ કરતા હુસેન ભીખુભાઇ બેગ સાથે ગાઢ મિત્રતા થઇ હતી.
હુસેનને કારખાનામાં સાથે કામ કરતા પરેશ રાઠોડ સાથે દુશ્મની હતી. મિત્ર હુસેનના ડખામાં નિલયે એક દિવસ પરેશને છરીના ઘા મારીને પૂરો કરી નાખ્યો. ૨૩ મહિનાના જેલવાસ પછી પૂરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયો પરંતુ છૂટ્યા પછી તેણે વાહનચોરી શરૂ કરી અને દારૂ, ચરસના રવાડે ચડી ગયેલો નિલય સિરીયલ કિલર બની ગયો હતો.