Western Times News

Gujarati News

છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારની ૪૦ હજાર થી વધુ ફરીયાદો મળી : ૭૯૬ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી

ભ્રષ્ટાચાર નિર્મુલન માટે કાર્યરત રાજ્ય સરકારના શાસનને પ્રજાએ સમર્થન આપ્યું છે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની કટિબધ્ધતાનું જ પરિણામ છે, કે ગુજરાતની ૨૬ માંથી ૨૬ લોકસભા બેઠકો ઉપર પ્રજાએ વિજય અપાવ્યો છે. આ પ્રકારનું પરિણામ રાજ્યમાં શાસકનું માપદંડ દર્શાવે છે તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગૃહમાં તકેદારી આયોગ અંગેના બિન સરકારી વિધયેક ઉપરની ચર્ચામાં પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાને આધાર સ્તંભ બનાવી દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સબળ નેતૃત્વવાળી રાજ્ય સરકાર  ભ્રષ્ટાચાર નિર્મુલન માટે કાર્યરત છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે માટે કાર્યરત તકેદારી આયોગને વિવિધ સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા પાંચ વર્ષમાં ૪૦,૬૬૦ જેટલી ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજાને આયોગમાં વિશ્વાસ છે.

ભ્રષ્ટાચાર નિર્મુલન માટે કાર્યરત તકેદારી આયોગ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ વિરૂધ્ધ મળેલી ફરિયાદોને આધારે ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં કસૂરવારો વિરૂધ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે છેલ્લા પાંચ વર્ષમાં ૭૯૬ જેટલા કર્મચારીઓ / અધિકારીઓને જુદા જુદા પ્રકારની શિક્ષાઓ માટેના હુકમો કરવામાં આવ્યા છે. તકેદારી આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે ભ્રષ્ટાચારના કિસ્સાઓ અંગે તપાસ કરી તેને સાબીત કરવાનો દર ૨૫ ટકાથી વધીને ૩૪ ટકા થયો હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા ૪ વર્ષમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા આરોપીઓની સંખ્યા ૩૭૧ હતી તે ૨૦૧૮માં ૭૨૯ થવા પામી છે. એટલે કે, ભ્રષ્ટાચાર આચરતા આરોપીઓને ઝડપી પાડવાના દરમાં ૯૬ ટકા જેટલો વધારો થયો છે. તકેદારી આયોગ અંગેનું આ બિન સરકારી વિધેયક ચર્ચાને અંતે પરત ખેંચવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.