Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૩૧૩ સિંહોના મોત થયા

પ્રતિકાત્મક

ગીરમાં ૭૧ સિંહ, ૯૦ સિંહણ, ૧૫૨ સિંહ બાળના મોત-૨૦૧૫થી ૨૦૨૦માં સિંહની વસ્તીમાં ૨૯ ટકા વધારો

ગાંધીનગર,  ગુજરાતે સિંહને જાળવી રાખવા માટે અને તેની વસ્તીમાં વધારો કરવા ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં સિંહના મૃત્યુના જે આંકડા સામે આવ્યા છે તેનાથી ખળભળાટ મચી ગયો છે. ૨૦૧૯ અને ૨૦૨૦મા ગીરમાં ૩૧૩ સિંહના મોત થયા છે. સરકાર દ્વારા વિધાનસભામાં શુક્રવારે સિંહના મૃત્યુના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા અને જે આંકડા સામે આવ્યા હતા તે આઘાતજનક છે.

વિરોધ પક્ષના ધારાસભ્યોએ આટલી મોટી સંખ્યામાં સિંહના મૃત્યુના કારણો પૂછ્યા હતા. આ પ્રશ્નની ચર્ચામાં રાજ્યના વન્ય મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિંહની જાળવણી માટે કરવામાં આવેલા પ્રયાસોના કારણે ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન સિંહની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.

સિંહની સંખ્યા તથા છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહ, સિંહણ અને સિંહના બચ્ચા મૃત્યુ પામ્યા છે તેની વિગતો માંગવા ઉપરાંત લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર દ્વારા સિંહના અકુદરતી મૃત્યુને રોકવા માટે શું પગલા લેવામાં આવ્યા છે તેની પણ જાણકારી માંગી હતી.

આ અંગેનો આંકડો આપતા વન્ય મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ૭૧ સિંહના મોત થયા છે. જેમાંથી ૬૯ સિંહના કુદરતી રીતે મોત થયા છે જ્યારે બેના અન્ય કારણોથી થયા છે. ૨૦૧૯ અને ૨૦૨૦મા કુલ ૯૦ સિંહણના મોત થયા છે જેમાંથી ૭૭ના મોત કુદરતી હતા જ્યારે ૧૩ના મોત અન્ય કારણોથી થયા હતા. ૧૫૨ સિંહ બાળના મોત થયા હતા જેમાં ૧૪૪ મોત કુદરતી હતા જ્યારે અન્ય કારણોથી ૮ બચ્ચાઓના મોત થયા હતા.

વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો કે મરેલા પ્રાણીઓના મૃતદેહોને ગીર અભ્યારણ્યના જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવે છે અને સિંહ તેને આરોગ્યા બાદ મોતને ભેટે છે. તેના જવાબમાં વસાવાએ જણાવ્યું હતું કે, આ આરોપોની તપાસ કરવામાં આવશે અને જાે કોઈ પણ દોષિત ઠરશે તો તેની સામે પગલા લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.