Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં ૨૮૩ સિંહોના મોત થયાની સરકારની કબૂલાત

ગાંધીનગર, એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે છે. રાજ્ય સરકાર પણ સિંહોના જતન માટે અનેક કાર્યો કરી રહી છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી સિંહોના મોત થઈ રહ્યા છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. સિંહોના મૃત્યુ મામલે આજે વિધાનસભામાં એક ચોંકાવનારો આંકડા સામે આવતા ખળભળાટ મચ્યો છે.

વિધાનસભા પ્રશ્નોત્તરીકાળમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૮૩ સિંહોના મોત થયા છે. તેમાંથી ૨૯ સિંહોના મૃત્યુ અકસ્માતના કારણે થયા હોવાનું ખૂલ્યું છે. જ્યારે ૨૫૪ સિંહોના મૃત્યું છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે થયા હોવાનો ખુલાસો થયો છે.

કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કરતા ખળભળાટ મચ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ગીર અભાયરણ્યમાં ૭૨ સિંહના મૃત્યુ થયા છે. ધારાસભ્ય પ્રતાપ દુધાતના પ્રશ્નનો સરકારે જવાબ રજૂ કરતા સામે આવ્યું હતું કે, હાલ ગીર અભયારણ્યમાં ૩૪૫ સિંહ છે. છેલ્લા ૨ વર્ષમાં ૨૪ દીપડાના મૃત્યુ થયાની માહિતી પણ સરકારે આપી છે. એટલું જ નહીં, ૨ વર્ષમાં ૫ દીપડાના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. નોંધનીય છે કે, વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૮માં ૫૯ જયારે વર્ષ ૨૦૧૯માં ૭૯ સિંહ મૃત્યુ પામ્યા હતા. જેમાંથી ૧૧ સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે.

તે જ રીતે વર્ષ ૨૦૧૮માં ૫૪ સિંહ બાળ જયારે ૨૦૧૯માં ૬૯ સિંહ બાળના મૃત્યુ થયા હતા. જેમાંથી ૬ અકુદરતી રીતે મોતને ભેટ્યા હતા. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૧૮૪ સિંહ મૃત્યુ પામ્યા તેમાંથી ૩૦ જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા. એશિયાટિક સિંહોનાં મૃત્યુના આંકડાઓને સતત ચિંતાનો વિષય બની રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.