છેલ્લા ર મહીનામાં ૧પ૦થી વધારે સીનીયર સીટીઝન મહીલાઓ દ્વારા જીવનસાથીની પસંદગી કરવા અરજી કરી
(એજન્સી)અમદાવાદ, શહેરની સૌથી મોટી જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરતી સંસ્થા અનુબંધ ફાઉન્ડેશન દ્વારા સીનીયર સીટીઝન માટે છેલ્લા ૧૦ વર્ષ અમદાવાદ સહીત દેશભરમાં વિવિધ જગ્યાએ સંમેલનનું આયોજનો કરવામાં આવે છે. ત્યારે આ પસંદગી સંમેલનમાં ભાગ લેવા માટે છેલ્લા ર મહીનામાં ૧પ૦થી વધારે સીનીયર સીટીઝન મહીલાઓ દ્વારા જીવનસાથીની પસંદગી કરવા માટેઆ સંસ્થામાં અરજી કરવામાં આવી છે.
આ વિશે સંસ્થાના પ્રમુખ નટુભાઈ પટેલના જણાવ્યા અનુસાર ૧પ૦ મહીલાઓમાંથી વિદેશમાં રહેતી રપ જેટલી મહીલાઓએ પણ સંસ્થામાં ઢળતી ઉંમરે જીવનસાથીની પસંદગી માટે અરજી કરી છે. આ તમામ મહીલાઓ પપથી૭૦ વર્ષના ઉંમરની છે. વધુમાં સંસ્થા દ્વારા મહીલાઓ માટે છેલ્લા ૧ વર્ષથી વધુ પ્રયત્ન કરવામાં આવી રહયું છે. જેના પગલે મહીલાઓ વધુ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી રહી છે.
હાલમાં અમેરીકાની પ મહીલાઓને તાત્કાલીક જીવનસાથીની જરૂર છે. આ મહીલાઓની સાથે પુરુષોની પણ ૩૦૦થી વધારે અરજીઓઅ પેન્ડીગ પડી રહી છે. તમામ મહીલાઓ પારીવારીક હોવાની સાથે આર્થિક રીતે સુખી છે. પરંતુ તેમને સારા જીવન સાથીની જરૂર છે. સાથે સાથે ૧પથી વધુ વિદેશના પુરુષ વડીલોને પણ અરજી કરેલી છે.
અનુબંધ ફાઉન્ડેશન દ્વારા દર મહીને બે વાર ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવક યુવતીઓ માટે પણ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.
કોલકત્તા અને ગોવા ખાતે પસંદગી સંમેલનનું આયોજન-અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર અમારી સંસ્થામાં સૌથી વધારે સીનીયર સીટીઝનો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવી રહયું છે. આગામી સંમેલનનું આયોજન કોલકતા ખાતે કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં ૪૦૦થી વધારે સીનીયર સીટીઝનો પરીવાર સાથે હાજર રહેશે. સાથે સાથે ઓગષ્ટ મહીનામાં ગોવાના બીચ પર ગેટ ટુ ગેધરની સાથે જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ૧૦૦થી વધારે લોકો ભાગ લેશે.