છેલ્લા સાત વર્ષમાં મોટાભાગના નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડતા ભાજપને ફાયદો

નવીદિલ્હી, છેલ્લા સાત વર્ષમાં મહત્તમ સંખ્યામાં સાંસદો, ધારાસભ્યો અને ઉમેદવારો કોંગ્રેસથી અલગ થઈને અન્ય પક્ષોમાં જાેડાયા છે અને આ જ સમયગાળામાં ભાજપને સૌથી વધુ ફાયદો થયો છે કારણ કે મોટાભાગના નેતાઓ ભાજપમાં જાેડાયા છે. ગુરુવારે જારી કરવામાં આવેલા અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. ચૂંટણી રાજકારણ પર નજર રાખતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ઉમેદવારોના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ દર્શાવે છે કે ૨૦૧૪ થી ૨૦૨૧ દરમિયાન કુલ ૨૨૨ ઉમેદવારો કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં જાેડાયા હતા, જેમાં ૧૭૭ સાંસદો અને ધારાસભ્યોએ દેશની સૌથી જૂની પાર્ટી છોડી દીધી.
એડીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪ થી ૧૧૧ ઉમેદવારો અને ૩૩ સાંસદો-ધારાસભ્યોએ ભાજપ છોડી દીધું હતું, જાેકે આ સમયગાળામાં ૨૫૩ ઉમેદવારો અને ૧૭૩ સાંસદો અને ધારાસભ્યો અન્ય પક્ષો છોડીને ભાજપમાં જાેડાયા હતા. આ સાત વર્ષમાં વિવિધ પક્ષોના ૧૧૫ ઉમેદવારો અને ૬૧ સાંસદો અને ધારાસભ્યો કોંગ્રેસમાં જાેડાયા.
રિપોર્ટ અનુસાર, સાત વર્ષમાં કુલ ૧૧૩૩ ઉમેદવારો અને ૫૦૦ સાંસદો-ધારાસભ્યોએ પક્ષ બદલ્યા અને ચૂંટણી લડી. કોંગ્રેસ પછી, બહુજન સમાજ પાર્ટી બીજી એવી પાર્ટી હતી જેને મહત્તમ ઉમેદવારો અને સાંસદો-ધારાસભ્યો છોડીને અન્ય પાર્ટીમાં ચાલ્યા ગયા છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન, ૧૫૩ ઉમેદવારો અને ૨૦ સાંસદો-ધારાસભ્યો બીએસપી છોડીને અન્ય પક્ષોમાં ગયા. આ સાથે, કુલ ૬૫ ઉમેદવારો અને ૧૨ સાંસદ-ધારાસભ્યો બસપામાં જાેડાયા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪ થી ૬૦ ઉમેદવારો અને ૧૮ સાંસદો-ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા છે અને ૨૯ ઉમેદવારો અને ૧૩ સાંસદો-ધારાસભ્યો તેમાં જાેડાયા છે. એ જ રીતે, કુલ ૩૧ ઉમેદવારો અને ૨૬ સાંસદો અને ધારાસભ્યોએ તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી અને ૨૩ ઉમેદવારો અને ૩૧ સાંસદો-ધારાસભ્યો તેમાં જાેડાયા. એડીઆરના અહેવાલ મુજબ, જનતા દળ (યુ) ના ૫૯ ઉમેદવારો અને ૧૨ સાંસદો-ધારાસભ્યોએ તેની સાથે અલગ થઈ ગયા. આ દરમિયાન ૨૩ ઉમેદવારો અને ૧૨ ધારાસભ્યો અને સાંસદોએ તેમાં જાેડાયા હતા.HS