છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૪૨૭ દર્દીનાં મોત નિપજ્યા

Files Photo
ભારતમાં એક દિવસમાં નોંધાયા ૧,૦૦,૬૩૬ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૪ લાખે પહોંચી
નવી દિલ્હી: કોરોના સંક્રમણનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. ૬૨ દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કોવિડ-૧૯ના કેસોની સંખ્યા સૌથી ઓછી છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ ૪૫ દિવસ બાદ સૌથી ઓછી નોંધાઈ છે. ૨૪ કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૪ હજારથી ઓછી નોંધાઈ હોય એવો આ સળંગ ૧૨મો દિવસ છે. આ ઉપરાંત ૧૨ દિવસથી સતત બે લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. વિશેષમાં મહારાષ્ટ્રમાં ૬૧૮, તમિલનાડુમાં ૪૩૪ અને કર્ણાટકમાં ૩૨૦ નવા કેસ નોંધાયા છે. સપ્તાહના પહેલા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૦૦,૬૩૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૪૨૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૯,૦૯,૯૭૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૩,૧૩,૨૨,૪૧૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૭૧ લાખ ૫૯ હજાર ૧૮૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૭૪,૩૯૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૪,૦૧,૬૦૯ એક્ટિવ કેસ છે.
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૪૯,૧૮૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૬ જૂન સુધીમાં ભારતમાં કુલ ૩૬,૬૩,૩૪,૧૧૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.