છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૮૨૦૪ નવા પોઝિટિવ કેસ
નવી દિલ્હી: મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૮,૨૦૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩૭૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૯,૯૮,૧૫૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૧,૪૫,૦૦,૨૬૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના ૨૪ કલાકમાં ૫૪,૯૧,૬૪૭ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૧ લાખ ૮૦ હજાર ૯૬૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૧,૫૧૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૦ ટકા છે.
હાલમાં ૩,૮૮,૫૦૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૮,૬૮૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૯ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૩૨,૭૮,૫૪૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૫,૧૧,૩૧૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસના ૧૯ કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૧૭ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૫ ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે ૮,૧૪,૭૭૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં હાલ ૨૦૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ૦૫ લોકો વેન્ટિલેટર પર છે.
જ્યારે ૨૦૪ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૮,૧૪,૭૭૮ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૭૭ લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજકોટ કોર્પોરેશનમાં ૫, અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત ૨, સુરત કોર્પોરેશન ૨, વડોદરા કોર્પોરેશન ૨, અમદાવાદ ૧, ભાવનગર ૧, ગાંધીનગર ૧, ગીર સોમનાથ ૧, અને વડોદરામાં ૧ કેસ નોંધાયો હતો.