છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૧,૦૩૯ નવા પોઝિટિવ કેસો
નવીદિલ્હી, ભારતમાં કોરોના વેક્સીનેશનના માધ્યમથી ૪૦ લાખથી વધુ દેશવાસીઓને રસી આપવામાં આવી ચૂકી છે. એક દિવસમાં ૧.૯ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આંડામાન અને નિકોબારમાં છેલ્લા ૮ દિવસમાં એક પણ કેસ નોંધાયા નથી. ત્યાં છેલ્લા ૪૨ દિવસમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આ ઉપરાંત ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૦૦થી પણ ઓછા કેસ નોંધાયા છે. ૧૪ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૪૧,૩૮,૯૧૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૦૩૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૧૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૭૭,૨૮૪ થઈ ગઈ છે.ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૬૨ હજાર ૬૩૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૨૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૬૦,૦૫૭ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૫૯૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૮૪,૭૩,૧૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૭,૨૧,૧૨૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨ ફેબ્રુઆરીની સાંજ સુધીમાં સરકારી કોરોના બૂલેટિન મુજબ કુલ ૪૦,૫૫૫૦ વ્યક્તિને એક જ દિવસમાં કોરોનાની વેક્સિન આપવામાં આવી છે જ્યારે કુલ નવા ૨૮૫ કેસ ૨૪ કલાકમાં કોરોના વાયરસના ખાતામાં નોંધાયા છે. વિશેષમાં, ગુજરાતમાં એક દિવસમાં ૬૮૪ કેન્દ્રો પર કુલ ૪૦,૫૫૦ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે.
જ્યારે કુલ ૩,૯૨,૪૫૪ વ્યક્તિઓનું રસીકરણ સમાપ્ત થયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને કોરોનાની રસીની આડઅસર જાેવા ન મળી હોવાનો સરકારનો દાવો છે. રાજ્યનો કોરોનાનો રિકવરી દર ૯૭.૧૦ ટકાએ પહોંચ્યો છે.HS