છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨૬૪૦ નવા પોઝિટિવ કેસ
કોરોના સામે રાહત મળી ઃ એક્ટિવ કેસ ૭ લાખથી ઓછા થયા, કુલ ૨ કરોડ ૮૯ લાખ દર્દીએ કોરોનાને મ્હાત આપી
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ બિલકુલ ઓછો થયો હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે. દેશવાસીઓ માટે મોટા રાહતના સમાચાર એ છે કે ૯૧ દિવસ બાદ ૫૦ હજારથી ઓછા લોકો એક દિવસમાં સંક્રમિત થયા છે. આ ઉપરાંત ૨૪ કલાકમાં નોંધાતા મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, દેશમાં હાલ રિકવરી રેટ ૯૬.૫ ટકા છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨,૬૪૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૧૬૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૯,૭૭,૮૬૧ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કુલ ૨૮,૮૭,૬૬,૨૦૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૯ લાખ ૨૬ હજાર ૩૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૮૧,૮૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૬,૬૨,૫૨૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૮૯,૩૦૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૯,૪૦,૭૨,૧૪૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
સોમવારના ૨૪ કલાકમાં ૧૬,૬૪,૩૬૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૫૧ કેસ નોંધાયા છે. જેની સામે ૬૧૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીના મોત થયા છે. હવે કુલ મૃત્યુઆંક ૧૦૦૩૪એ પહોંચી ગયો છે.
હાલમાં માત્ર ૫૬૩૯ દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ છે જ્યારે કુલ ૧૧૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ ૫૫૨૬ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે ૮,૦૬,૮૧૨ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. સંક્રમણના નવા કેસોની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં ૩૬ કેસ નોંધાયા છે
જ્યારે સુરત શહેરમાં ૧૬ કેસ નોંધાયા છે જ્યારે જૂનાગઢ જિલ્લો, સુરત જિલ્લો, વડોદરા જિલ્લામાં ૧૦-૧૦ કેસ નોધાયા છે. રાજકોટ શહેરમાં ૯ અને વડોદરા શહેરમાં ૭ કેસ નોંધાયા છે જ્યારે વલસાડમાં ૬ કેસ નોંધાયા છે.