છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ પોલીસના ૮૧ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત

પ્રતિકાત્મક
(એજન્સી)મુંબઇ, મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈના ૮૧ પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની કુલ સંખ્યા ૧૩૧૨ ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૨૬ પોલીસકર્મીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
બીજી તરફ પૂણેમાં પણ ૩૧ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે પુણેમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની કુલ સંખ્યા ૪૬૫ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શનિવારે ૧૦૬૬૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરમાં હાલમાં ૭૩૫૧૮ એક્ટિવ કેસ છે.
જાે મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૪૬૨ નવા કેસ નોંધાયા છે અને ૨૩ લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ ૨,૬૪,૪૪૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનના ૧૨૫ નવા કેસ નોંધાતા કુલ આંકડો ૧૭૩૦ પર પહોંચ્યો છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના કારણે ૧૧ લોકોના મોત પણ થયા છે.
આ આંકડાઓના પર એક નજર કરીએ તો શહેરમાં ૧૦ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી દરરોજ અગિયાર હજારથી ૧૪ હજાર કોરોના કેસ નોંધાયા છે. જાે કે, ૧૨ જાન્યુઆરીએ ૧૬ હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ૬ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી સુધી શહેરમાં કોરોનાના કેસ ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા હતા.
જાે કે રાહતની વાત એ છે કે શનિવારે ૨૧ હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મુંબઈના ધારાવી વિસ્તારની વાત કરીએ તો શનિવારે અહીં ૪૦ નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે દાદરમાં ૧૨૦ અને માહિમમાં ૧૨૬ કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
આ ત્રણ વિસ્તારોમાં કુલ ૨૮૬ કોરોના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૯૯ હજાર ૩૫૮ લોકો કોરોનાથી સાજા થયા છે. જેથી રિકવરી રેટ સુધરીને ૯૧ ટકા પર પહોંચ્યો છે. હાલમાં મુંબઈમાં કુલ એક્ટિવ કેસ ૭૩ હજાર ૫૧૮ છે. પુણેમાં શનિવારે ૫ હજાર ૭૦૫ નવા કેસ નોંધાયા છે.