છેલ્લા ૨૪ કલાકમાં ૨.૧૧ લાખ નવા કેસ, ૩૮૪૭ દર્દીનાં મોત

Files Photo
ભારતમાં હાલ કોરોના વાયરસના ૨૪,૧૯,૯૦૭ એક્ટિવ કેસ છે, અત્યાર સુધીમાં કુલ ૩,૧૫,૨૩૫ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો
નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસથી નીચે જઈ રહેલા કોરોનાના ગ્રાફમાં ફરી એક વાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના વધતા કેસોને જાેતાં જે રીતે રાજ્યોએ પ્રતિબંધો લગાવ્યા છે, ત્યારબાદ કોવિડ સંક્રમણના આંકડામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાેકે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધતા આંકડાએ ફરી એક વાર ખતરા તરફ ઈશારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૨૬ મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૧૧,૨૯૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૮૪૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૭૩,૬૯,૦૯૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૦,૨૬,૯૫,૮૭૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૪૬ લાખ ૩૩ હજાર ૯૫૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૮૩,૧૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨૪,૧૯,૯૦૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૧૫,૨૩૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ મે સુધીમાં ભારતમાં કુલ ૩૩,૬૯,૬૯,૩૫૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ૨૪ કલાકમાં ૨૧,૫૭,૮૫૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કુલ ૩,૦૮૫ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ ૧૦,૦૦૭ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. હાલમાં કુલ ૫૫,૫૪૮ એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૫૯૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૫૪,૯૪૫ દર્દીઓ સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં કુલ ૭,૩૨,૭૪૮ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે કુલ ૯,૭૦૧ દર્દીનાં મૃત્યુ થયા છે. જેમાં ૩૬ મોતનો સમાવેશ થઈ જાય છે. ગુજરાતમાં એક દિવસમાં કુલ ૨,૧૯, ૯૧૩ વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં કુલ ૧,૬૦,૫૦,૦૫૯ વ્યક્તિને પ્રથમ અને બીજા ડોઝની રસી મળી છે. આ રસીકરણમાં ૧૦૨૩૨૫૨ વ્યક્તિ ૧૮-૨૫ વર્ષ સુધીના વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.