છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા : શિક્ષણ મંત્રી
ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરેલા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા અનેક કાર્યક્રમોનાં શ્રેષ્ઠ પરિણામો આજે મળી રહ્યા છે
બોર્ડની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી, અસફળ થયેલા વિદ્યાર્થીઓને નિરાશ ન થઈ વધુ એક પ્રયાસ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવા મંત્રીશ્રીનો અનુરોધ
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં જે પ્રકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા છે. ગત વર્ષે રાજ્યના ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જે ખૂબ જ ગૌરવની બાબત છે.
રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઉભો કર્યો છે ત્યારે બોર્ડની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી, અસફળ થયેલા વિદ્યાર્થીઓને નિરાશ ન થઈ વધુ એક પ્રયાસ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવા મંત્રીશ્રી વાઘાણીએ અનુરોધ કર્યો છે.
GIET અને GCERTના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ગ્રીષ્મોત્સવના સમાપન સમારંભમાં પધારેલા રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગ્રીષ્મોત્સવની શરૂઆત સૌપ્રથમ વખત ગુજરાતમાં થઈ છે. શિક્ષણ વિભાગનો આ એક અનોખો પ્રયોગ છે.
સરકારી શાળાના બાળકો માટે વેકેશન સમયગાળા દરમિયાન શ્રીમદ્ ભાગવત, વિજ્ઞાન, ગણિત, કળા-કૌશલ્ય, સંગીત, કોડિંગ, મનોરંજન, વાર્તા અને દેશી રમતો સહિતના વિષયોના કાર્યક્રમો ઓનલાઇન અને ઓફલાઇન યોજાયા, જેમાં અંદાજે ૬.૫ લાખ બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમમાં રાજ્યના તમામ તાલુકાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે અને તેમાં પણ સરકારી શાળાના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ એવા ગરીબ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે જેમના વાલીઓ છૂટક મજૂરી અથવા તો ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આ રીતે દિવાળીના વેકેશનમાં શરદોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરેલા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા અનેક કાર્યક્રમોનાં શ્રેષ્ઠ પરિણામો આજે મળી રહ્યા છે. NCERT દ્વારા કરાયેલા નેશનલ એચિવમેન્ટ સર્વેમાં આપણા રાજ્યની સરકારી શાળાઓ ધોરણ ૩ થી ૮ના વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે દેશભરમાં ટોચ પર રહી છે. રાષ્ટ્રના સરેરાશ દેખાવ કરતા પણ રાજ્યનો દેખાવ સારો રહ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષમાં વિવિધ ઉત્સવો અને કાર્યક્રમો થકી શિક્ષણના સ્તરમાં ખૂબ સુધારો આવ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયા છે જે વિક્રમજનક આંકડો છે. ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે.
કોરોનાકાળમાં પણ વિદ્યાર્થી પર અભ્યાસક્રમનો ભાર ન રહે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ હતી. ૨૫ ટકા સિલેબસ કાપવાની વાતને નિષ્ણાંતો સાથે વિમર્શ કરી વિદ્યાર્થીઓના હિતમાં નકારી અને વધુ સવાલ, ઓછા જવાબની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઉભો કર્યો.
મંત્રીશ્રી વાઘાણીએ વધુમાં કહ્યું કે, બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકો સહિત શિક્ષણ વિભાગની મહેનત રંગ લાવી છે. રાજ્યના ૯૫૮ કેન્દ્રોમાં ૪.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપેલી S.S.C પરીક્ષાનું ૬૨.૧૮ ટકા પરિણામ જાહેર થયું છે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમને અભિનંદન આપી, જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા તેઓ નિરાશ ન થઈ વધુ એક પ્રયાસ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવા કહ્યું હતું.