છેલ્લા ૬૦ વર્ષમાં પટેલોએ આર્થિક અને શૈક્ષણિકક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી છે
કેવા સમાજાે પ્રભુને ગમે ?
શ્રદ્ધા કેન્દ્રો, નિષ્ઠા કેન્દ્રો, પુણ્ય ભૂમિને પવિત્ર ગ્રંથો, સુખો દુઃખોને ભવિષ્યના સ્વપ્નો, જેના એક થયા છે |
વિચારને આચાર પ્રણાલી, એક સરખી જેની રહી છે, તેને સંભાળે ભવિષ્યમાં લઈ જાય, તે વર્ગ સમાજ છે ||
આજના ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ જાેતા પટેલ કોમનું પ્રમાણ બધી કોમોથી વધુ છે. છેલ્લા ૬૦ વર્ષમાં પટેલોએ આર્થિક અને શૈક્ષણિકક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ કરી છે એ આનંદની વાત છે. પટેલ કોમના ઋષિ કશ્યપ છે. કશ્યપ અને માતા અદિતિથી વામન ભગવાનનો જન્મ થયો છે અને ભગવાન પરશુરામના પણ કશ્યપ ગુરૂ હતા. આટલી ઊંચી વિભુતિ કહી શકાય તેવા કશ્યપ ઋષિના વારસદારો તે પટેલો છે.
બીજી બાજુ આઝાદીના સંગ્રામમાં ભારતના ૩૬૫ રજવાડી રાજાઓનું વિલીનીકરણ કરી, અખંડ ભારતના શીલ્પી પણ વલ્લભભાઈ પટેલ જ હતા. આ કોમની પરંપરામાં, તેજસ્વીતા, ર્નિભયતા, નિષ્પાપતા, કૃતજ્ઞતા,
કૃતિશીલતા અને વિશ્વાસ જેવા ગુણો તેમના લોહીમાં જ વર્ણાયેલા જાેવા મળે છે. તેથી આ કોમ પ્રભુને વાલી બની છે. પ્રભુની શક્તિ અને પોતાના કતૃત્વથી સુખ અને સમૃદ્ધિ મેળવી છે. મફતનું લઈશ નહિ એ વૃત્તિ છે તેથી ધન્યવાદને પાત્ર છે.
પરંતુ દુઃખની વાત છે કે જાણે – અજાણે પશ્ચિમના પવનની ખોટી અસરથી નહિવત કુટુંબના માતા-પિતા ઘરડા થતાં ઘરડા ઘરોમાં મોકલેલ છે. માતૃદેવોભવ – પિતૃદેવોભવને વૈદિક સંસ્કૃતિમાં આવું વર્તન લજ્જાસ્પદ, ધૃણાસ્પદ છે. શરમથી માથુ ઝુકી જાય છે.
પટેલ કોમમાં માતા-પિતા સાથેના આવા વર્તનથી સમસ્ત પટેલ સમાજ દયનીય સ્થિતિમાં રહી શકે નહિ. સમાજને માટે પણ આ કલંક છે. દુષણ છે, દુષણ જ છે, તેને ભૂષણમાં ન ખપાવો. આ રીતે કૃતજ્ઞી ન થઈ શકાય. કોઈને પણ તે માર્ગે જતાં અટકાવવું, તે માટે વિચારવું તે ગૌરવશાળી પટેલ સમાજાેની ફરજ બની છે.
ઘણા લોકો કહે છે તમે અમારા મા-બાપને પૂછો અમે તેમને ખાવા-પીવા, પહેરવા, દવાની પૂરી સગવડ આપીએ છીએ. કબુલ પણ માનવી જીવનમાં ૧/૪ ભાગ જ ભૂખનો છે. ૩/૪ ભાગ ભાવ અને વિચારનો છે. ૧/૪ ભાગ આપતા હશો પણ પેલો ૩/૪ ભાગ ભાવ, પ્રેમ, હુંફ, આત્મિયતા અને પોતીકાપણાની મનની ભૂખ છે. તે તેમને ન મળે તો તે અસંતોષી રહેવાના.
તમે તમારી પત્નિ જાેડે, બાળકો જાેડે કલાકોના કલાકો વાતો કરો છો, અને માતા-પિતા જાેડે વાતો કરો નહિ, પૂછો નહિ, બેસો નહિ, ભાવ આપો નહિ. જેના કારણે તેમને પોતિકાપણું ના લાગતા ઉપેક્ષા જેવું લાગે છે-આ ભૂલ સમજાય તો સમસ્યા ઉકલી જાય. સામે કોઈ કોઈ વડીલ મા-બાપનો પણ દોષ હોઈ શકે છે.
કર્કશ સ્વભાવ, ટકટકપણું ઘડપણમાં આવે પણ તેમાં એ વિચારવું રહ્યું કે આપણા સૌને કૌશલ્યા અને દશરથ જેવા મા-બાપ જાેઈએ છે. સીતા જેવી પત્નિ, લક્ષ્મણ જેવો ભાઈ, રામ જેવો પતિ, સુંદર શરીર, વિધ્વતાપૂર્ણ બુદ્ધિ જાેઈએ છે. પણ આ બધું ફક્ત માગવાથી નથી મળતું. તેના માટે પુણ્યનું બેલેન્સ જાેઈએ.
કર્યા વગર મળતુ નથી, કરેલું અફળ જતું નથી. ગીતા કહે છે તો જન્મ જન્માંન્તર જે કરેલું છે તેના ફળરૂપે મળ્યા તે મા-બાપ, મળી તે પત્નિ, મળ્યું તેવું શરીર, બુદ્ધિ મળ્યા તે બાળકો-જે મળ્યું છે તેમાં જીવંત જીવન જીવી દેખાડવું. પલાયનવાદ નહિ, માતા પિતાનો તિરસ્કાર પણ નહિ, સમજદારીપૂર્વક ભક્તિપૂર્ણ સેવા કરી આશિર્વાદ લેવા તેમાં જ કલ્યાણ છે.
હવે આ બાબતે જે પટેલોના કુટુંબોમાંથી મા-બાપો ઘરડાઘરોમાં રહે છે, તે માટે પટેલ સમાજાેને વિચારવાની ફરજ ઉભી થઈ છે. ઘરડાઘરોમાં તપાસ કરતાં વાઘરી, હરીજન, ઠાકોર, રબારી વિગેરે કોમના મા-બાપો નથી ફક્ત વાણીયા, પટેલ, બ્રાહ્મણ કોમના જ છે.
સમાજ એટલે એક ઉચ્ચ આચાર પ્રણાલી, વિચાર પ્રણાલી, વેદ અને ઋષિ ચિંધ્યા માર્ગેથી મળેલી પ્રણાલીઓનું રક્ષણ અને વર્ણન કરનાર પ્રેમના તંતુઓથી વણાયેલો સમૂહ. તો આ માટે દરેક પટેલ સમાજાે ભેગા થાય ત્યારે આ સમસ્યા માટે ચર્ચા કરવી અને જાહેર કરવું કે જે કોઈના મા-બાપો ઘરડાઘરોમાં હોય તેમને વિનંતીથી પ્રેમથી ઘરે લઈ આવવા.
જાેડે જાેડે દરેક સમાજમાં જ્ઞાનવૃદ્ધી, ભાવવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને પ્રૌઢ એવા ૧૧ માણસોની કમીટી બનાવવી. તે કમેટીમાં ઘરડાઘરોમાં રહેતા વૃદ્ધો અને તેમના કુટુંબ સગાવહાલાના મિત્રોના સંપર્કમાં રહીને તુટેલા કુટુંબોમાંથી તેમને જાેડવાનું કામ કરે.
આવું કંઈ દરેક ગોળ, સમાજાે વિચારશે તો આ ઊગતું દૂષણ ડામી દેવાશે અને હજારો વૃદ્ધાઓના આશીર્વાદ મળશે. જગ બગડ્યું છે, જગ બગડયુ છે કહેનારા છે લાખો, બગડેલાને સુંદર કરવા કોઈ વીર તો જાગો. એ ન્યાયે આ પગલું વિરત્વનું છે. માતા-પિતાએ કરેલો પ્રેમ અને ઉપકાર ભૂલી જનારને માણસ તરીકે મૂલવી ન શકાય.
પશુઓ ભૂલી જાય છે. આપણી સંસ્કૃતિ પશુઓની, પક્ષીઓની નથી ઋષિઓની છે, દેવોની છે. તેના આપણે વારસદારો છીએ. તેમાં આવેલા બગાડને દૂર કરી માતૃદેવોભવ – પિતૃદેવોભવના મંત્રને ચરિતાર્થ કરીશું, ઘર ઘરને વૈકુંઠધામ બનાવવા પ્રયત્નો કરીશું તો તેવા પ્રયત્નોથી પ્રભુ હરખાશે, જાેઈતી શક્તિ પણ આપશે. આવા દૈવી પ્રયત્નો પટેલ સમાજાે કરશે તો તેવા સમાજાે પ્રભુને જરૂર ગમશે.