છેલ્લા 15 વર્ષમાં નીતિશ કુમારની પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન

નવી દિલ્હી : બિહાર વિધાનસભામાં વોટની ગણતરી થઈ થઈ રહી છે. તાજા રુઝાનના મતે NDA સૌથી આગળ ચાલી રહી છે. જ્યારે બીજા નંબરે મહાગઠબંધન છે.
જો રુઝાન પરિણામોમાં ફેરવાશે તો એમ લાગી રહ્યું છે કે ફરી એક વખત એનડીએની સરકાર બની રહી છે. રુઝાનો અને પરિણામોમાં ખાસ વાત એ છે કે આ વખતે રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. બીજેપી હાલ 70થી વધારે સીટો પર આગળ છે.
જ્યારે બીજા નંબરે આરજેડી છે. નીતિશ કુમારની પાર્ટી ત્રીજા નંબરે આવી ગઈ છે. જો રુઝાનોને યોગ્ય માને તો જેડીયુ 50થી ઓછી સીટો પર આવી જશે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષોમાં નીતિશની પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.
એવું લાગી રહ્યું છે કે માર્ચ 2000માં બિહારની ગાદી સંભાળનાર નીતિશ કુમારની લોકપ્રિયતા હવે ઘટી રહી છે. જેથી તેમની પાર્ટીની પકડ જનતા વચ્ચે નબળી થઈ રહી છે. આંકડા પર નજર કરવામાં આવે તો 2005ની ફેબ્રુઆરીમાં થયેલી ચૂંટણીમાં નીતિશની પાર્ટીને 55 સીટો પર જીત મળી હતી.
આ પછી ઓક્ટોબર 2005ની ચૂંટણીમાં જેડીયુને 88 સીટો પર ધમાકેદાર જીત મળી હતી. તે સમયે રાજ્યમાં નીતિશની પાર્ટી સીટોના મામલે પ્રથમ નંબરે રહી હતી. 2010ની ચૂંટણીમાં JDUએ પોતાની સીટોની સંખ્યા વધારીને 115 કરી લીધી હતી. 2015માં JDUને 71 સીટો પર જીત મળી હતી. ગત ચૂંટણીમાં નીતિશે લાલુ યાદવની પાર્ટી આરજેડી સાથે હાથ મિલાવ્યો હતો.