છેલ્લા 9 કવાર્ટરથી દેશનો આર્થિક વિકાસ ઘટી રહ્યો છે: ચિદમ્બરમ
નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે અર્થતંત્ર મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકારમાં છેલ્લા નવ કર્વાટરથી આર્થિક વિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશ મંદીનો સામનો કરી રહ્યો છે. પૂર્વ નાણા પ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે જે લૌકો યુપીએના રેકોર્ડની મજાક ઉડાવી રહ્યો હતાં તે લોકોએ જાણી લેવું જોઇએ કે અર્થશાસ્ત્રીઓ હવે સરકારની અણઆવડત અને અક્ષમતા સામે હસી રહ્યાં છે.
તેમણે ટ્વિટર પર એક પ્રશ્ર કર્યો હતો કે એનડીએ સરકારે ૨૦૧૫થી શું કર્યુ છે. તેનો જવાબ આપતા પૂર્વ નાણાપ્રધાને જણાવ્યું છે કે છેલ્લા ૯ કવાર્ટરથી આર્થિક વિકાસ ઘટી રહ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશ મંદીનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે દાવોે કર્યો છે કે ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ ઇનિશિએટીવ(ઓપીએચઆઇ) સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ દરમિયાન દેશના ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હતાં. આ સમયગાળો યુપીએ-૧ અને યુપીએ-૨નો સમયગાળો હતો. તેમણે આ સમયગાળાને અર્થતંત્ર માટેનો સુવર્ણકાળ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યુપીએની સરકાર હતી. ચિદમ્બરમ મે, ૨૦૦૪થી નવેમ્બર ૨૦૦૮ અને ઓગસ્ટ, ૨૦૧૨થી મે, ૨૦૧૪ સુધી દેશના નાણા પ્રધાન હતાં. ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમ છેલ્લા ઘણા સમયથી અર્થતંત્ર મુદ્દે ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકારની ઝાટકણી કાઢી રહ્યાં છે.