છોટી સરદારની ફેમ અભિલાષા જાખડે દીકરાને જન્મ આપ્યો
વિનિતને સીરિયલ યે હૈ મોહબ્બતેં દ્વારા પોપ્યુલારિટી મળી વિનિત-અભિલાષાએ ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી
મુંબઈ: ટેલિવિઝન એક્ટર વિનિત કુમાર ચૌધરી અને પત્ની અભિલાષા જાખડ પેરેન્ટ્સ બની ગયા છે. વિનિત અને અભિલાષાના ઘરે ૧૪ મેના રોજ દીકરાનો જન્મ થયો છે. હાલમાં જ અભિલાષાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ અને ફોલોઅર્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. દીકરાએ મમ્મી-પપ્પાની આંગળી પકડી હોય તેવી તસવીર શેર કરીને લખ્યું, ૧૪.૦૫.૨૦૨૧ અમારો નાનકડો રાજકુમાર અમારી પાસે આવ્યો. ડેડી અને મમ્મા તને વચન આપે છે કે, હંમેશા પ્રેમ કરશે, તારું ધ્યાન રાખશે અને જીવનભર તને માર્ગદર્શન આપશે.
આ તસવીર શેર કરવાની સાથે અભિલાષાએ પતિ વિનિતને ટેગ કર્યો છે અને દીકરાનો જન્મ થયો એ દિવસને જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો છે. સીરિયલ છોટી સરદારનીમાં અભિલાષા અમૃતાનો રોલ કરે છે. અમૃતા કુળવંતની પુત્રવધૂ છે. અભિલાષા મા બનતાં તેની કો-એક્ટ્રેસ અનિતા રાજે અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત અન્ય સેલેબ્સ અને ફેન્સ પણ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. એક્ટર વિનિત કુમાર ચૌધરીએ પણ દીકરાને ખોળામાં ઊંચકીને તસવીર ક્લિક કરાવી છે. આ તસવીર શેર કરતાં ‘ન્યૂ ડેડી’એ લખ્યું,
“મારા દીકરાને મારા હાથમાં ઊંચકીને જે ખુશી અનુભવી રહ્યો છું તે અગાઉ ક્યારેય નથી અનુભવી. આ અદ્ભૂત ભેટ માટે હું મારી જાતને નસીબદાર ગણું છું સાથે જ પ્રેમ અને પ્રાર્થનાઓ માટે તમારા સૌનો આભાર માનું છું. થેન્ક્યૂ અભિલાષા. મારો પ્રેમ, મારી જિંદગી.” વિનિતની આ પોસ્ટ પર અનિતા હસનંદાની, આરિયા અગ્રવાલ, સંગ્રામ સિંહ, મોનિકા ખન્ના જેવા સેલેબ્સે શુભેચ્છા પાઠવી છે.
જણાવી દઈએ કે, એક્ટર વિનિત કુમાર ચૌધરીને સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ દ્વારા પોપ્યુલારિટી મળી હતી. વિનિત અને અભિલાષાએ ૬ વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા બાદ ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. એપ્રિલ ૨૦૧૭માં અભિલાષા અને વિનિતની સગાઈ થઈ હતી. જેમાં તેમના નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. વિનિતનો નજીકનો મિત્ર અને ‘યે હૈ મોહબ્બતેં’નો એક્ટર સંગ્રામ સિંહ પણ સગાઈમાં હાજર રહ્યો હતો.