‘છોડેંગે ન હમ તેરા સાથ’ ”ઓ સાથી મરતે દમતક” :મોડાસાના નિવૃત્ત બેંક સેવક પતિ-પત્નિના અનોખા પ્રેમ, હુંફ, લાગણીની કહાની
સમગ્ર વિશ્વ અત્યારે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યું છે . યુવા હૈયાઓએ વેલેન્ટાનઈ વિકને લઈ વિવિધ દિવસોની ઉજવણી કરી આજે વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રેમ યુવક-યુવતીઓ એક બીજા સાથે પ્રેમનો એકરાર કરતા હોય છે ત્યારે આજના યુગમાં કહેવાતો સાચો પ્રેમ માત્ર ખાસ દિવસો પુરતો જ પ્રેમ સિમિત બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોડાસાના એક વૃધ્ધ કપલના પ્રેમ , હુંફ અને લાગણીની કહાની આજના યુવાનો માટે શીખ આપે તેવો બની રહે તેમ છે
મોડાસાની સહકારી બેંકમાં સેવક તરીકેની ફરજ બજાવી નિવૃત્ત થયેલા જશુભાઈ ભાટીયા અને જયાબેન મોડાસા ખાતે પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેમના પુત્ર વિદેશ સ્થિત છે ત્યારે જયાબેન છેલ્લા આઠેક વર્ષથી અસાધ્ય લાંબી બિમારીનો શિકાર બનતાં પોતાની દૈનિક ક્રિયાઓ પણ કરી શકતા નથી ત્યારે લગ્નના સાતફેરા વખતે આપેલ વચન નિભાવીને જશુભાઈ પોતાની બિમાર પત્નિના પડછાયાની જેમ હાજર રહી સેવા કરી રહયા છે તો દિકરો પણ વિદેશ રહી બિમાર માતાની સારી રીતે સારસંભાળ લઈ રહ્યો છે .વર્ષો સુધી બેંકમાં સેવક તરીકે ની ફરજ બજાવી નિવૃત થયેલા જશુભાઈ આજે આશરે સિતેર વર્ષની ઉંમરે પણ પોતાની પત્નિ પ્રત્યેના પ્રેમ અને લાગણીના સેવક બની સાચો પતિ ધર્મ નિભાવી રહ્યા છે . પલંગ પર થી માંડ ઉભા થતાં જયાબેન માટે જશુભાઈ વહેલી સવારે ઉઠી ચા – નાસ્તો બનાવા થી લઈને દૈનિક તમામ ક્રિયાઓમાં સંપુર્ણ રીતે સાથ આપી સમાજમાં સાચા પ્રેમનું ઉદાહરણ પુરુ પાડયું છે .
આજના સમયમાં છુટાછેડા તેમજ બ્રેકઅપ જેવા કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે જિંદગીમાં કયારે વેલેન્ટાઈન ડે ની ઉજવણી ન કરનાર જશુભાઈ ની પોતાના પ્રિયપાત્ર માટેની પ્રેમ , લાગણી અને હુંફ ઘણો મોટો સંદેશ આજની પેઢીને આપી જાય છે . આજના યુવાહૈયાઓ પોતાના પ્રિયપાત્રોને કહેવાતા ખાસ દિવસો પર મોઘીદાટ ગીફટો આપી ખુશ કરવા પ્રયત્નો કરતાં હોય છે ત્યારે આજના સમયમાં જરૂરિયાત પુરતા બની ગયેલા પ્રેમીઓ માટે જશુભાઈના પ્રેમનો કિસ્સો ઘણી મોટી શીખ આપે છે .