છ જૂનથી ઊનાળુ વેકેશન પૂર્ણ, નવા સત્ર અંગે ર્નિણય ટૂંકમાં થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/school.jpg)
પ્રતિકાત્મક
ગાંધીનગર: કોરોના મહામારીને કારણે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આગામી ૬ જૂનથી રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થશે. વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ ખોલવા અંગે કોઈપણ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે કોરોનાની સ્થિતિ જાેતા શાળાઓમાં બાળકોને બોલાવાય તેવી શક્યતાઓ ઓછી છે.
જાે કે, વેકેશન પૂર્ણ થયા બાદ નવા સત્રનું આયોજન કેવી રીતે કરવું તેને લઇને શિક્ષણ વિભાગ મંથન કરી રહ્યું છે. ત્યારે બુધવારે કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે સરકાર ર્નિણય લઈ શકે છે. ધોરણ ૧૦ માં માસ પ્રમોશન આપ્યા બાદ માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી તેને લઇને હજી પણ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના સંક્રમણના કારણે સરકાર દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ર્નિણય કર્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી તેનો ર્નિણય શિક્ષણ વિભાગ હજુ સુધી કરી શક્યું નથી. ત્યારે શાળાઓએ જાતે જ બાળકોને ધોરણ ૧૧ માં પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે.
રાજ્યભરની અનેક શાળાઓએ ધોરણ ૧૦ ની માર્કશીટ વગર જ ધોરણ ૧૧ માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ ૧૧ માં પ્રવેશ આપવાની તૈયારી કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે. ખુદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કહી ચૂક્યા છે કે ધોરણ ૧૦ ની માર્કશીટ વિના ધોરણ ૧૧ માં પ્રવેશ આપવો અયોગ્ય છે.
સરકારે હજુ સ્પષ્ટ કર્યું નથી કે બાળકોને ધોરણ ૧૧ માં કયા આધારે પ્રવેશ આપવો ત્યારે કોઇપણ શાળાએ હાલ પ્રવેશ ના આપવો જાેઇએ. શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ થયેલી જાહેરાત મુજબ નવું શૈક્ષણિક સત્ર પણ ૭ જૂનથી શરૂ થવાનું છે, એવામાં શાળાઓએ પોતાની તૈયારીઓ આરંભી પરંતુ શિક્ષણ વિભાગ હજુ ઘોર નિદ્રામાં છે. ધોરણ ૧૦ ના બાળકોને માસ પ્રમોશન આપ્યા બાદ તમામ બાળકોને કેવી રીતે ધોરણ ૧૧ માં સમાવેશ કરી શકાશે તે બાબતે પણ કોઈ ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવી નથી.
ધોરણ ૧૦ માં માસ પ્રમોશન મેળવ્યા બાદ જે શાળામાં ધોરણ ૧૧ ના વર્ગો નથી, તેવી શાળાના વાલીઓ તેમના બાળકોને ધોરણ ૧૧ માં પ્રવેશ અપાવવા માટે ચિંતિત બન્યા છે. દરવર્ષે અંદાજે ૬૦ ટકા ધોરણ ૧૦ નું રિઝલ્ટ આવતું હતું ત્યારે આ વખતે માસ પ્રમોશનને કારણે ૧૦૦ ટકા બાળકો પાસ થયા છે. એવામાં તમામનો કેવી રીતે ધોરણ ૧૧ માં સમાવેશ કરી શકાશે તેનો જવાબ હજુ પણ શિક્ષણ વિભાગ આપી શક્યું નથી.