છ માસમાં સાત મહિલાઓ લાંચ લેતા ઝડપાઈ ચૂકી છે
૨૦૨૦માં એસીબીએ લાંચ લેવાના ગુનામાં ૭ મહિલાઓ સામે કેસ દાખલ કરી કુલ ૧૩ જણાંની ધરપકડ કરી હતી
સુરત, તાજેતરમાં જ મહિલા પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પી.આઈ. એવા પી.એસ.આઈ શ્વેતા જાડેજા સામે ૨૦ લાખ રૂપિયાનાં તોડ કરવાના તથા ૧.૨૦ લાખ રૂપિયાનો મોબાઈલ પડાવવાના ચકચારભર્યા પ્રકરણે શહેરીજનોમાં ભારે ચકચાર જગાવવાની સાથે આશ્ચર્ય જગાવ્યું છે. આ માત્ર શ્વેતા જાડેજા પૂરતી જ વાત નથી.
પરંતુ હવે મહિલાઓએ દરેક ક્ષેત્રની જેમ ભ્રષ્ટાચારમાં પણ ઝુંકાવ્યું હોવાનું લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં નોંધાતા કેસો પરથી સ્પષ્ટ થાય છે. ૨૦૨૦નાં છ મહિનામાં જ એસીબીએ લાંચ લેવાના ગુનામાં ૭ મહિલાઓ સામે કેસો દાખલ કરીને કુલ ૧૩ જણાંની ધરપકડ કરી હતી. જેમાં છ પુરુષો અને સાત મહિલાઓ હતી.
શ્વેતા જાડેજાએ જેમ નાણાં લેવા માટે તેના બનેવીનો ઉપયોગ કર્યાનું તપાસમાં આવ્યું છે તે જ રીતે આ કેસોમાં પણ મહિલાઓ સાથે પુરુષો પણ ઝડપાયા છે. મતલબ કે આમાં પણ ક્યાંક લાંચની રકમ પુરુષોએ સ્વીકારી હતી. પહેલાં મહિલાઓ લાંચ લેતાં જવલ્લે જ જાેવા મળતી હતી. જ્યારે છેલ્લાં કેટલાંક સમયથી મહિલાઓ પણ લાંચ લેવા જતાં ઝડપાઈ હોવાના કેસો લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં નોંધાવવા લાગ્યા છે.
આ પાછળનાં કારણ અંગે એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, “પુરુષ પ્રધાન દેશમાં હવે મહિલાઓ પણ કદમથી કદમ મિલાવવા લાગી છે. પરિણામે તેમની સંખ્યામાં દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર બની છે અને મોજશોખ તેમ જ લાઈફ સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. સ્વાભાવિક તેની અસર મહિલાઓને પણ પડે.
આ જ કારણોસર હવે તેઓ પણ લાંચ લેતી થઈ છે. જાે કે હજુ મહિલાઓ લાંચ લેતાં ડરતી હોવાની સાથોસાથ તેમની જરૂરિયાત પણ ઓછી હોવાથી પુરુષોના પ્રમાણમાં મહિલાઓનો ભ્રષ્ટાચારનો આંક ઓછો છે. પરંતુ મહિલાઓ લાંચ લે તે બાબત અચરજ પમાડે તેવી જરૂર છે.” ગુજરાત લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ૯મી જુલાઈ સુધીમાં લાંચ સ્વીકારવા, ડેકોય તથા અન્ય મળીને કુલ ૭ કેસો કર્યા છે.
જેમાં કુલ ૧૩ જણાંને ઝડપી લીધાં હતાં. જેમાં સાત મહિલા તથા છ પુરુષોનો સમાવેશ થાય છે. આ કેસોમાં સૌથી વધુ વર્ગ-૩ની ત્રણ મહિલાઓ ઝડપાઈ હતી. જ્યારે વર્ગ-૨નાં એક અધિકારીનો સમાવેશ થાય છે. જ્યારે નવ તો ખાનગી વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતાં. નવાઈ અને આશ્ચર્યની વાત તો એ છે કે, આ સાત કેસોમાંથી છ કેસો તો પંચાયત વિભાગનાં જ છે.
જ્યારે એક નાણાં વિભાગનાં કર્મચારી સામે નોંધાયો છે. આમ સરવાળે વર્ષે દહાડે થતાં કેસોમાં લાંચ લેવાના પ્રકરણમાં સૌથી વધુ લાંચ ગુહ વિભાગ અથવા મહેસૂલ વિભાગ મોખરે હોય છે. જયારે મહિલાઓ સામેના કેસોમાં ગૃહવિભાગની બાદબાકી દેખાય છે. ૯ જુલાઈ સુધીમાં ગુજરાતની લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં સાત મહિલાઓ સામે કેસો નોંધાયા છે.
તેમાં સૌથી વધુ ત્રણ કેસો તો માત્ર જાન્યુઆરી મહિનામાં જ નોંધાયા છે. જયારે ફ્રેબુઆરીમાં બે, માર્ચ અને જૂનમાં એક-એક કેસ નોંધાયેલો હતો. આ કેસોમાં પંચમહાલમાં સૌથી વધુ બે કેસો થયા હતા. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યથી માંડીને સુરત શહેર, વડોદરા તેમ જ પંચમહાલ, અમરેલી તેમ જ ભાવનગરનો સમાવેશ થાય છે.
લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં ૨૦૧૮માં લાંચ લેવાના ૨૪ કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વર્ગ-૩ની ૧૨ અને ૧૧ ખાનગી મહિલાઓ પકડાઈ હતી. તેમાં એક તો કેન્દ્ર સરકારની કર્મચારી હતી. તે જ રીતે ૨૦૧૯માં ૨૩ કેસો નોંધાયા હતા. જેમાં કુલ ૪૩ વ્યક્તિઓ પકડાઈ હતી. તેમાં સૌથી વધુ ૨૬ તો મહિલાઓ હતી. બાકીના ૧૭ પુરુષો હતા.
તેમાં વર્ગ-૧ની ચાર મહિલાઓ હતી. તો વર્ગ-૨ના ૧૦, વર્ગ-૩ના ૧૩ અને વર્ગ-૪ની ૪ મહિલાઓ હતી. લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ૨૦૧૯માં ૨૩ કેસો કર્યા હતા. જેમાં સૌથી વધુ પાંચ તો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. જયારે અમરેલીમાં ૩, મહિસાગરમાં ૨ કેસો નોંધાયા હતા. જયારે જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, ભરૂચ, મોરબી, છોટા ઉદેપુર, મહેસાણા, વડોદરા ગ્રામ્ય, વલસાડ, રાજકોટ શહેર, દાહોદ અને નવસારી તેમ જ સુરત શહેરમાં એક એક કેસ નોંધાયા હતા. ડીવાયએસપી ડી.પી. ચુડાસમાએ જણાવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ તમારી પાસે લાંચ માંગે તો રૂબરૂ ઉપરાંત ૧૦૬૪ હેલ્પ લાઈન પર પણ જાણ કરી શકાય છે.”