છ રિલાયન્સ કંપનીઓ જેટલું દેવું છે કેન્દ્ર સરકાર પર : નાણાં મંત્રાલય
નવી દિલ્હી, આ વર્ષના જૂન માસની આખર સુધીમાં કેન્દ્ર સરકાર પરનું દેવું વધીને 101.3 લાખ કરોડ રૂપિયા સુધીનું થઇ ગયું હોવાની ચોંકાવનારી માહિતી ખુદ નાણાં ખાતાના એક રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ કેપ કરતાં છ ગણું દેવું થવા જાય છે. આ વર્ષના માર્ચમાં રિલાયન્સની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા હતી. એ સમયે સરકાર પરનું દેવું 94.6 લાખ કરોડનું હતું. કોરોના કાળમાં એ વધીને 101.3 લાખ કરોડ રૂપિયાનું થઇ ગયું હતું.
શુક્રવારે નાણાં ખાતાએ એના સાર્વજનિક ઋણ અંગેના ત્રિમાસિક રિપોર્ટમાં આ ચોંકાવનારી હકીકત રજૂ કરી હતી.. 2019ના જૂનની આખરે આ સાર્વજનિક દેવું 88.18 લાખ કરોડનું હતું. અત્યારે એ 101.3 લાખ કરોડનું થઇ ગયું હતું.
નાણાં ખાતાના આ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે દિનાંકિત પ્રતિભૂતિઓ (ડેટેડ સિક્યોરિટીઝઃ)નો પાકવાની મુદત પાંચ વર્ષથી ઓછી થઇ રહી હતી . સરકારે ચાલુ વર્ષના પહેલા ત્રિમાસિક દરમિયાન 3,46,000 કરોડ રૂપિયાની ડેટેટ સિક્યોરિટીઝ જાહેર કરી હતી. એના આગલા વરસે આ જ સમયગાળા દરમિયાન 2,21,000 કરોડની ડેટેટ સિક્યોરિટીઝ બહાર પાડી હતી.