છ હજારથી વધુ શ્રમિકોને AMTS દ્વારા ફ્રી મુસાફરીના પાસ અપાયા
અમદાવાદ, એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ૬પ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝન્સને બસમાં ફ્રી મુસાફરી કરવાની સુવિધા અપાઈ રહી છે. જો કે, આ સુવિધાની પહેલાં એટલે કે
સપ્ટેમ્બર-ર૦ર૦થી રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શ્રમિકોને પણ એએમટીએસમાં ફ્રી મુસાફરીના પાસ અપાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૬ર૪ર શ્રમિકોએ આ સુવિધાનો લાભ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ૧૮થી ૬૦ વર્ષ સુધીના શ્રમિકોને શ્રમિકકાર્ડ અપાય છે.
આ કાર્ડ પ્રાપ્ત કરનાર શ્રમિકો એએમટીએસના લાલ દરવાજા રિટ્ઝ હોટલ, વાડજ અને સારંગપુર ટર્મિનસ ખાતે શ્રમિકકાર્ડ અને આધારકાર્ડ તેમજ બે ફોટો જમા કરાવીને એક વર્ષ માટેનો એએમટીએસમાં ફ્રી મુસાફરીનો પાસ મેળવી રહ્યા છે.
આ ત્રણેય સેન્ટર ખાતે સવારના ૮ઃ૦૦થી બપોરે ૩ઃ૦૦ વાગ્યા સુધી શ્રમિકો પોતાનો ફ્રી પાસ મેળવી શકે છે. શ્રમિક દ્વારા ફ્રી પાસ મેળવવા માટેની અરજી કરાયાની સાથે જ તંત્ર દ્વારા કાચો પાસ કાઢી આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં આ સુવિધાનો લાભ ૬૦ ટકા પુરૂષ શ્રમિક અને ૪૦ ટકા સ્ત્રી શ્રમિકોએ લીધો હોવાનુ ં એએમટીએસ કન્સેશન વિભાગના સૂત્રો જણાવે છે. આ સૂત્રો વધુમાં કહે છે કે દર મહિને પ૦૦ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને તેમને સ્માર્ટકાર્ડ અપાઈ રહ્યું છે જેમાં એસપીબીઓસીડબ્લ્યુએફ ફેટેગરી દર્શાવવામાં આવે છે.