જંગલખાતાના અધિકારીના ઘરે દરોડા, ૧ કરોડ રોકડા મળ્યા, ૨ની ધરપકડ કરાઇ
રાંચી, હજુ થોડા દિવસો પહેલાં જ ઝારખંડની આઇએએસ અધિકારી પૂજા સિંઘલના ઘરે EDએ દરોડા પાડીને ૧૯ કરોડ રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા અને પૂજાને જેલ ભેગી કરી હતી. હવે ઝારખંડનો વન અધિકારી ACBના સપાટામાં આવી ગયો છે અને તેના ઘરેથી ૧ કરોડની રોકડ રકમ મળી છે.
ઝારખંડમાં, એન્ટી કરપ્શન બ્યુરોએ વન વિભાગના એક અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે. દરોડા દરમિયાન લાંચિયા ઓફીસરના ઘરેથી એટલી મોટી રોકડ મળી આવી હતી કે દરોડા પાડવા ગયેલા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ હતી.
જપ્ત કરાયેલી રોકડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે ૧૦૦-૨૦૦-૫૦૦ની નોટોના ઢગલા થઈ ગયા છે. આ તસવીરો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે.એસીબીની ટીમે વન વિભાગના અધિકારીના ઘરેથી રૂ. ૯૯ લાખથી વધુની રોકડ જપ્ત કરી છે.
ફરિયાદ મળ્યા પછી એસીબીની આ કાર્યવાહી ગુરુવારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમના મનોહરપુર બ્લોકમાં થઈ. જ્યાં એસીબીની ટીમે રેંજર વિજય કુમાર અને તેના કોમ્પ્યુટર ઓપરેટર મનીષ પોદ્દારને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા.
આ પછી, એસીબીએએ જ્યારે રેંજરના સત્તાવાર નિવાસસ્થાનની તપાસ કરી તો ત્યાંથી લગભગ એક કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
આટલી મોટી રોકડ રકમ મળ્યા બાદ એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રેજર અને કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી હતી અને જમશેદપુર લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.
જ્યારે આ કેશની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે યુઝર્સ ગુસ્સે થઈ ગયા. કેટલાકે કહ્યું કે ભ્રષ્ટાચાર દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યો છે તો કેટલાકે કહ્યું કે રેન્જર પાસેથી એક કરોડની રોકડ મળવાની વાત આશ્ચર્યજનક છે.
એક યુઝરે કહ્યું કે ઝારખંડમાં કરોડો રૂપિયા મળવા હવે સામાન્ય વાત લાગે છે. રાજ્ય કેવી રીતે ચાલશે? તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું- દુનિયામાં કેટલા પૈસા છે, મારી પાસે તો ધન ઓછું છે.HS1