જંગલોમાં આગ છતાં અંજલિ તેંડૂલકરને જંગલમાં લઈ જવાયા
જયપુર, રાજસ્થાનના સરિસ્કા ટાઈગર રિઝર્વના જંગલોમાં લાગેલી ભયાનક આગ પર હજું સુધી સંપૂર્ણપણે કાબુ મેળવી શકાયો નથી પરંતુ આ દરમિયાન એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. ટાઈગર રિઝર્વમાં લાગેલી આગને લઈને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પત્ની અંજલિ તેંડુલકર વિવાદોમાં ફસાઈ ગયા છે.
હકીકતમાં સચિનના પત્ની અંજલિ તેડુંલકર પર આરોપ છે કે, જંગલોમાં મોટી આગ લાગી હતી પરંતુ તેમ છતાં તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવાને બદલે સરિસ્કા ટાઈગર રિઝર્વના નિર્દેશક આર.એન.મીણા તેમને ફરવા માટે જંગલમાં લઈ ગયા હતા.
ત્રણ દિવસમાં સરિસ્કા ટાઈગર રિઝર્વના અકબરપુરા રેન્જના બાલેટા-પૃથ્વીપુરા નાકામાં ૨૦ કિલોમીટર વિસ્તારનું જંગલ બળી ચૂક્યું છે. ૨૭ માર્ચે(રવિવારે) અંજલી તેંડુલકર સરિસ્કા આવ્યા હતા અને તેમને ફેરવવા માટે બધા અધિકારીઓ અને નિર્દેશક વીઆઈપી ડ્યૂટીમાં લાગી ગયા હતા જ્યારે ૧૫ મિનિટ પહેલા જ એ ખબર આવી હતી કે, આગ લાગી ગઈ છે.
આગ લાગી હોવાની સૂચના મળ્યા બાદ પણ બધા અધિકારીઓ આગને કાબુમાં લેવાને બદલે અંજલિ તેંડુલકરને વાઘ બતાવવા માટે જંગલમાં લઈને ચાલ્યા ગયા હતા. જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે ક્ષેત્રીય નિર્દેશક આરએન મીણાએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને રેન્જર્સ પણ સ્થળ પર જ હતા.
તેમણે કહ્યું કે, જ્યારે આગ લાગે છે ત્યારે ડાયરેક્ટર આગને કાબુમાં લેવા ન જાય અને વીઆઈપી મૂવમેન્ટની વાત છે તો અંજલિ તેંડુલકરને પ્રોટોકોલ હેઠળ સુવિધાઓ આપવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે, સરિસ્કા ટાઈગર રિઝર્વના જંગલોમાં લાગેલી આગ પર હજુ સુધી કાબુ નથી મેળવી શકાયો.SSS