જંબુસરના કહાનવા ગામે રાત્રિના સમયે નિશાચરોએ બે બંધ મકાનને નિશાન બનાવી ત્રણ લાખની ચોરી કરી છૂમંતર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે રાત્રિના સમયે નિશાચરોએ બે બંધ મકાનને નિશાન બનાવી સોના – ચાંદીના ઘરેણા અને મોબાઈલ મળી કુલ ત્રણ લાખ પાંચ હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
જંબુસર તાલુકાના વેડચ પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત વિગત અનુસાર કહાનવા ગામે લીમડી વગામાં રહેતા ભારતભાઈ પરષોત્તમભાઈ રાઠોડનું ઘર બંધ હોય જેથી રાત્રિના સુમારે બંધ ઘર નો લાભ ઉઠાવી કોઈ ચોરોએ ઘરમાં પ્રવેશી ઘરની તિજોરી નું લોકર તોડી રૂપિયા બે લાખ વીસ હજાર ના સોના-ચાંદીના દાગીના અને એક જૂનો મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચસો મળી કુલ બે લાખ વીસ હજાર પાંચસો ના મુદ્દામાલની ચોરી કરી ચોરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
જ્યારે બીજા બનાવમાં કહાનવા ગામે વણકર વાસમાં રહેતા ધનજીભાઈ પરમાર નું ઘર બંધ હાલતમાં હોય જેથી રાત્રિના સમયે ચોરોએ ઘરનો મુખ્ય દરવાજાનો નચુકો તોડી તિજોરી નું લોકર તોડી તેમાં મુકેલ સોના-ચાંદીના ઘરેણા જેની કિંમત રૂપિયા ચોયાઁસી હજાર છસો થવા જાય છે તે લઈ ચોરો પલાયન થઈ ગયા હતા.ઉપરોક્ત બાબત અંગે કહાનવા ગામના ભારતભાઈ રાઠોડે તેમજ ધનજીભાઈ પરમારે વેડચ પોલીસ માં ફરિયાદ દાખલ કરતા વેડચ પોલીસે ગુનો નોંધી ચોરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.