જંબુસરના ચીફ ઓફિસરે પોલીસને વ્યક્ત કરેલી દહેશત સાચી ઠરી : મહિલા પ્રમુખે છેડતીની ફરિયાદ નોંધાવી.
મહિલા પ્રમુખ અને તેના પતિ સામે ગાળા ગાળી, તમાચા મારી, મોબાઈલ તોડી, જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો દાખલ કરાવ્યો ચીફ ઓફિસરે.
(વિરલ રાણા) ભરૂચ,જંબુસર નગર પાલિકામાં સત્તા અને વહીવટના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.મંગળવારની રાત્રીએ જંબુસર ના ચીફ ઓફિસર ઉપર મહિલા પ્રમુખના પતિના હુમલા બાદ જંબુસર પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાવતા નવો વિવાદ ઉભો થયો છે.જંબુસર નગર પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ અગાઉ જંબુસર પોલીસ મથકે લેખિત અરજી આપી હતી કે મહિલા પ્રમુખ તથા તેના પતિથી તેમને શારીરિક જોખમ રહેલું છે.
મંગળવારની રાત્રિએ ચીફ ઓફિસર કાવા ભાગોળ મિત્રની દુકાને બેઠા હતા ત્યારે મહિલા પ્રમુખના પતિએ હુમલો કરતા તેઓની તબિયત લથડી હતી.જેમને જંબુસર બાદ વડોદરા વધુ સારવાર માટે રીફર કરાયા હતા.જંબુસર પોલીસ મથકે સામ સામે નોંધાવેલી ફરિયાદથી નવો વિવાદ સામે આવ્યો છે.જેમાં મહિલા પ્રમુખે આપેલી ફરિયાદ મુજબ ચીફ ઓફિસરે સુરત પાલિકાની ગાડી ઉપર ડ્રાઈવરને લઈ જવા બબાલ કરી હતી.તથા મહિલા પ્રમુખ સાથે અશ્લીલ વર્તન કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. સાથે જ મહિલા પ્રમુખના પતિને ટાંટિયા તોડી નાખીશ.મારી બહુ ઉપર સુધી વગ છે. હું ૧૯ જગ્યાએ નોકરી કરીને આવ્યો છું.વધારે કરશો તો મહિલા હોદ્દેદાર અને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બીજી તરફ જંબુસર ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડોર ટુ ડોર ના ડ્રાઈવર શૈલેષ પટેલને પ્રમુખની ગાડી ઉપર મૂકી આવવા મહિલા પ્રમુખ અને તેના પતિએ કહ્યું હતું.જે અંગે હોદ્દેદાર અને તેના પતિએ CO સાથે ઝઘડો કર્યો હતો. બન્ને પતિ-પત્નીએ મુખ્ય અધિકારીને ગાળો બોલી, તમાચા મારી, છાતી ઉપર નખોરીયા ભરી ઇજાઓ પોહચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા હોદ્દેદાર અને તેના પતિએ એકબીજાની મદદગારીમાં ગુનો આચર્યાની ફરિયાદ આપી હતી.
જંબુસર મુખ્ય અધિકારી યોગેશ ગણાત્રાએ ગત ૯ માર્ચે જ જંબુસર પોલીસ મથકે આપેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, તેમને મહિલા પ્રમુખ અને તેમના પતિ ખોટી રીતે ફસાવી શકે છે. તેઓની શારીરિક સલામતી જોખમાય તેવી ઘટના બની શકે છે.અગાઉના ચીફ ઓફિસર પરાક્રમ મકવાણાને છેડતીની ફરિયાદ કરવા ધમકી અપાઈ હતી.હાલના પ્રમુખે ૪૦ દિવસ પેહલા વ્યક્ત કરેલી દહેશત હવે સાચી પડી છે. મહિલા પ્રમુખે તેમની સામે છેડતીની ફરિયાદ નોંધાવી દીધી છે.