જંબુસરના શાનીયાના વડ વિસ્તારમાં ગટર ના ગંદા પાણી વાપરવાના પાણી માં ભેગું થતા મહિલાઓ એ પાલિકા ખાતે હલ્લો બોલાવ્યો
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ જીલ્લા ના જંબુસર નગર ના પ્રાણ પ્રશ્નો ગટર,પાણી,રસ્તાની સુવિધા આપવામાં પાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે.ગ્રામજનોને પીવા માટે મીઠુ પાણી મળતું નથી.વારંવાર રજૂઆતો કરવા છતાંય મીઠા પાણી થી વંચિત છે.પ્રજાજનો એ મીઠુ પાણી પીવા માટે આર.ઓ પાણી ના બોટલો ખરીદવા પડે છે.જેને લઈ ગ્રામજનો ને આર્થિક નુકશાન વેઠવું પડે છે.
પાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે તેનો ઘર વપરાશ કરવા માટે ઉપયોગ કરે છે.ત્યારે નગર ના શાનીયાના વડ વિસ્તાર માં છેલ્લા એક સપ્તાહ ઉપરાંત થી ગટર ના ગંદા પાણી મિક્ષ થતા હોય ભારે દુર્ગંધ મારે છે.જેને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવતો ન હોય આ વિસ્તાર ની મહિલાઓ રણચંડી બની પાલિકા ખાતે આવી પહોંચી હતી.પાલિકા પ્રમુખે કે ચીફ ઓફિસર નહીં મળતા નિરાશ થઈ પાલિકા સદસ્ય મનન પટેલ પાસે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
હાલ ચોમાસા ની ઋતુ ચાલતી હોય પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત આ વિસ્તાર ના રહીશો માં ફેલાયેલી જોવા મળતી હતી.ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે આ સમસ્યા નું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.