જંબુસર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકામાં અનુસૂચિત જાતિ સમાજના રહીશો ઉપર દિન પ્રતિદિન અત્યાચાર વધી રહ્યો હોય સમાજના અગ્રણીઓ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું.
સમાજ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ની આગેવાનીમાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું.જેમાં ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર,તાલુકા અગ્રણી પ્રભુદાસભાઈ મકવાણા અને મંત્રી નટુભાઈ પરમાર તેમજ વલ્લભભાઈ રોહિત હાજર રહ્યા હતા.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સમાજ પ્રથમથી જ પરિશ્રમ વાદી સમાજ છે મહેનત મજુરી કરી જીવન નિર્વાહ કરે છે.અમારા સમાજ પ્રત્યે વર્ષોથી છૂતાછૂત રાખી અસ્પૃશ્ય ગણી ગુજરાતી હોવા છતાંય અનેક યાતનાઓ સહન શક્તિ રાખી એકસંપ રહી જીવવા ટેવાયેલા છે
છતાંય કહેવાતા સવર્ણ સમાજના કેટલાક ઈસમો અમારા સમાજ ઉપર હુમલા કરી છૂટા હાથની મારામારી ગડદા પાટુનો માર મારી બિભત્સ ગાળો બોલી જાતિ વિષયક અપશબ્દો બોલી જાહેરમાં માનહાનિ કરે છે.
હાલમાં જ ટુંડજ ગામે માજી સરપંચ પટેલ જ્ઞાતિના હોય તેમના બે પુત્રો સાથે રાખી ઈકો ગાડી લઈ અનુસૂચિત જાતિના મોહલ્લામાં પહોંચી હાલના સરપંચને મા બેનની બિભત્સ ગાળો આપી જાતિ વિષયક શબ્દો બોલી જાેઈ લેવાની તથા મારી નાખવાની ખુલ્લી ધમકી આપી ભલે તમે સરપંચ હોય વહીવટ તો અમે જ કરીશું.
કોઈપણ કામ અમને પૂછ્યા વગર કરવું નહીં એ રીતે સરપંચ તરીકેના હક્કો તેમજ ફરજ બજાવવામાં દખલગીરી કરે છે.જે અંગે સરપંચ પતિ દ્વારા કાવી પોલીસ મથકે ફરીયાદ કરેલ છતાય આજદિન સુધી ગુનેગારો સામે પગલા ભરવામાં આવ્યા નથી જેથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આવેદનપત્ર આપવા સામાજિક કાર્યકરો સમાજનાં અગ્રણીઓ યુવાનો હાજર રહ્યા હતા.