જંબુસર ટંકારી બંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટરોની ગેરહાજરીને કારણે ૧૨ ગામના દર્દીઓ પરેશાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/02-7-scaled.jpg)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો બાર ગામની જનતા તેનો લાભ લે છે.તંત્ર દ્વારા ટંકારી કેન્દ્રના ડોક્ટરોને આમોદ તથા અંકલેશ્વર ડેપ્યુટેશન પર મૂકવામાં આવેલ હોય ૧૨ ગામની જનતા ડોક્ટરો વગર હેરાન પરેશાન થઈ જવા પામી છે.તે અંગે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા દ્વારા ટંકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરોને ફરજ પર મુકવા રજુઆત કરાઈ હતી.
કોરોના મહામારીએ ઠેરઠેર જનતાને બાનમાં લઈ કાળો કેર વર્તાવ્યો છે.દરેક જગ્યાએ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.દરેક દવાખાનામાં દર્દીઓ ઉભરાયેલા જોવા મળે છે.ટંકારી બંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આસપાસ આવેલ ૧૨ ગામોની ગરીબ જનતા આ કેન્દ્રનો લાભ લઈ રાહત અનુભવે છે અને હાલ કોરોના મહામારી ચાલતી હોય ત્યારે તંત્ર દ્વારા ટંકારી કેન્દ્રના ફરજ પરના ડોકટરોને ડેપ્યુટેશન પર બહાર મોકલવામાં આવ્યા છે.જેને લઈ ગરીબ જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ બાબતે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે.વહેલી તકે તપાસ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટંકારી ખાતે ડોક્ટરોને ફરજ પર મૂકવા અપીલ કરી હતી.