જંબુસર તવક્કલ સોસાયટીના મકાનમાંથી એક લાખ ઉપરાંતની મત્તાની ચોરી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:જંબુસર ડાબા ચોકડી તવક્કલ સોસાયટીના બંધ મકાન માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં અંદર પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોનાનો હાર તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૭,૦૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા જંબુસર પોલીસે ચોરી અંગે નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તસ્કરો ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ડાભા ચોકડી પાસે તવક્કલ સોસાયટી બંગલા નંબર ૩૮ માં રહેતા સદ્દામ હુસૈન બશીરભાઈ ભટ્ટી ગત તારીખ ૧૯મી જુલાઈ ૨૦૨૦ ના રોજ પોતાના પરિવાર સાથે આમોદ તાલુકાના બુવા ગામે મોસાળ સાસરીમાં મહેમાની કરવા ગયા હતા અને બે દિવસ રોકાયેલા તે દરમ્યાન સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં સોસાયટીમાં રહેતા તેમના મિત્રનો ફોન આવેલ કે ઘરના આગળના ભાગે આવેલ લોખંડ ની ગ્રીલનો નકુચો તૂટેલો છે
અને મકાનના અંદરના મુખ્ય દરવાજાને મારેલ તાળું પણ તોડી મુખ્ય દરવાજો ખુલ્લો છે.જેથી સદ્દામ હુસૈન ભટ્ટી બુવા થી જંબુસર તવક્કલ સોસાયટીમાં આવેલ અને જોતાં દરવાજાને મારેલ તાળુ તુટેલ હાલત માં તથા દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં જઈ જોયું તો પલંગ પર સામાન વેર વિખેર પડેલ હતો અને રૂમમાં મૂકેલા તિજોરીના દરવાજા ખુલ્લા હતા.જે બાદ તિજોરીમાં જોતાં લોકર માં મુકેલ સોનાના બે તોલાનો હાર જેની કીમત રૂપિયા ૮૦,૦૦૦ તથા રોકડ રકમ રૂપિયા ૨૭,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૦૭,૦૦૦ ની ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ એ જંબુસર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા જંબુસર પોલીસે ચોરી અંગે નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તસ્કરો ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.