Western Times News

Gujarati News

જંબુસર તાલુકાના ગામોમાં પીવાનું પાણી નહી મળતા ગ્રામજનોમાં આક્રોશ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) તાલુકાના સરદારપુરા અને ડોલિયા ગામે ૨૨ દિવસથી પાણી પુરવઠા દ્વારા પાણી પહોંચતું ન હોય ગ્રામજનોએ લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં પરીણામ શુન્ય ધ્યાને લઈ ગ્રામ્ય જનતામાં આક્રોશ ફેલાયો હતો.

હજુ તો ઉનાળાની શરૂઆત થાય છે ત્યાં તો પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે. ઉત્તર બારા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ તાલુકાના ખાનપુર, ડોલિયા, વાંસેટા, સરદારપુરા, નડિયાદ અને કલકના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે.પરંતુ ડોલિયા અને સરદારપુરામાં છેલ્લા વીસ દિવસ ઉપરાંતથી ત્યાં પાણી પૂરવઠો પહોંચી શક્યો નથી.

ડોલિયા ગામની ૭૦૦ અને સરદારપુરા ગામની ૪૫૦ જેટલી વસ્તીને પીવાનું પાણી પહોંચતું નથી દરેકની જરૂરિયાત પાણી જળ એ જ જીવન છે.ત્યારે ડોલીયા અને સરદારપુરા ગામે પાણી છેલ્લા બાવીસ દિવસથી મળતું ન હોય જે અંગે સરદારપુરાના ડેપ્યુટી સરપંચ કિશોરભાઈ પઢિયાર તથા ડોલિયા સરપંચ પિંકલબેન મકવાણા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠાને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે

તેમ છતાંય આજદિન સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી કે અધિકારીએ રૂબરૂ મુલાકાત કરેલ નથી.તેમને લેખિતમાં એમ પણ જણાવેલ છે કે લાઈનમેન પોતાના મનસ્વી રીતે કામ કરે છે અને પાણી માટે ટેન્કરો ફાળવવાની રજુઆત કરે છે.

તેમ છતાંય પાણીનું ટેન્કર આવેલ નથી ગ્રામ્ય જનતા પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે તેમ જણાવ્યું હતું અને આ બન્ને ગામોના પાણીનો યક્ષ પ્રશ્ન હોય તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.વહેલી તકે આ પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.પાણી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે તેમ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

બંન્ને ગામોમાં છેલ્લા ૨૨ દિવસથી પાણી પુરવઠો પહોંચતો ન હોય અમારા પ્રતિનિધિએ પાણી પુરવઠા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ બી પટેલની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.ત્યારે ઓછા પ્રેશરથી પાણી મળતું હતું અને શુક્રવારથી સદંતર પાણી મળતું બંધ થયું છે.

જે અંગે છ કિલોમીટરની લાઈનમાં પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે અને બે દિવસમાં બંન્ને ગામોમાં પાણી પુરવઠો મળતો થઈ જશે તેવી કવાયત ચાલુ છે તથા પાણી ટેન્કર પહોંચાડવા અંગે જણાવ્યુ હતુ કે ટેન્કરની એજન્સીની નિમણૂક કરવાની હોય છે.તે ટેન્ડર મંજુરી હેઠળ છે જે કલેક્ટર દ્વારા મંજુરીની કાર્યવાહી કરવાની થાય છે.

હાલમાં ગ્રામ પંચાયત પાસે પોતાનું ટેંન્કર હોય તો હેડવર્કસ પરથી પાણી ભરી જઈ શકે છે.આ સહિત હયાત જે પાઈપલાઈન નાંખેલી છે.જે વ્યક્તિદીઠ પંચાવન લીટર પ્રતિદિનની ડિઝાઈન કરેલી હતી.જે ઘણી જગ્યાએ જર્જરિત થઈ હોય જે બદલવા અંગે સુધારણા યોજના હાલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

એજન્સી નક્કી થયેથી ઉક્ત કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જેનાથી આગામી સમયમાં વ્યક્તિ દીઠ પ્રતિદિન સોલિટર મુજબની ડિઝાઈન હેઠળ કરવામાં આવેલ છે તેમ જણાવેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.