જંબુસર નગર માં લાંબા વિરામ બાદ મેઘા નું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન
નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર નગર માં લાંબા વિરામ બાદ મેઘા નું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થતાં ધરતીપુત્રો સહીત પ્રજાજનો માં ખુશી નો માહોલ છવાયો હોવાનાં તથા બે કલાક સાંબેલાધાર ખાબકેલા વરસાદ ના પગલે જંબુસર નગર ના નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.
જંબુસર નગર સહીત પંથકમાં બે દિવસ થી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે વાદળછાયુ વાતાવરણ બે દિવસ થી છવાયું હતું.પંથકમાં કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડયા હતા.આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે નગર માં લાંબા વિરામ બાદ મેઘા નું ગાજવીજ સાથે આગમન થયું હતું અને અવિરત વરસાદ ખાબકતાં નગરના નિચાણવાળા વિસ્તારો માં પાણી નો ભરાવો થતા નગર પાલિકા ની પ્રીમોન્સુન ની કામગીરી ની પોલ ખુલી ગઈ હતી.સતત બે કલાક સુધી વરસેલા વરસાદ ના પગલે વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી.
મેધા ના ધમાકેદાર આગમન ના પગલે નગરજનો તથા ધરતીપુત્રો માં ખુશી નો માહોલ છવાયો હતો.મામલતદાર કચેરી થી પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના ૩ વાગ્યા સુધી માં ૪૦ મીમી એટલે કે અંદાજે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે અને મૌસમ નો કુલ વરસાદ ૧૯૫ મીમી નોંધાયો છે.