જંબુસર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ
૯ મી.મી વરસાદમાં જળબંબાકાર-ટંકારી ભાગોળ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ, દુકાનદાર,વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
(પ્રતિનિધિ) ભરૂચ, ચોમાસા પેહલા જ આપદાનું મંજર જંબુસર શહેર માંથી સામે આવ્યું છે.હજી પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ હેઠળ ચોમાસુ પગરવ કરવા આગળ વધી રહ્યું છે.ત્યાં માત્ર એક ઝાપટાંમાં જંબુસર નગરના હાલ બેહાલ કરી દીધા છે.
ભરૂચ જીલ્લા માટે ચોમાસાની મૌસમ હંમેશા વિપતિઓથી ભરેલી રહે છે.વીજ વિક્ષેપો, ઠેર ઠેર પાણી ભરાવા,ઘરમાં પાણી ઘુસવા,ખુલ્લી ગટરો તેમજ રસ્તાના ધોવાણને લઈ પ્રજાની પરેશાનીનો પાર રહેતો નથી.
જાેકે ચોમાસું બેસતા પેહલા જ વરસાદના એકમાત્ર ઝાપટાંથી નગરના માર્ગો ઉપર પાણી પાણી થઇ જાય તેવો નજારો જંબુસર નગરમાં જાેવા મળ્યો છે.સોમવારે મળસ્કે જંબુસર શહેરમાં અમુક મિનિટો માટે મેઘરાજાની પધરામણી થઈ હતી.આકરી ગરમી અને ઉકળાટથી ઠંડક ફેલાતા નગરજનોને રાહત તો સાંપડી હતી.
જાેકે માર્ગો ઉપર માત્ર ૯ મિમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા પ્રજા, રાહદારીઓ,વાહનચાલકો અને વેપારીઓ મુસીબતમાં મુકાઈ ગયા હતા.પ્રજાએ પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીમાં કચાસ કે વેઠ ઉતારી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
જંબુસર પાલિકામાં પહેલાથી જ અનેક વિવાદો અને વિરોધ વંટોળ ચાલી રહ્યા છે.મુખ્ય અધિકારી અને પદાધિકારી વચ્ચે ચાલતો વિવાદ હોય કે કર્મચારીઓનો અસંતોષ ના કારણે ભોગવવાનો વારો નગરજનોને આવી રહ્યો છે.
આ બાબતે વિપક્ષ વિરોધ નોંધાવી નગરજનોના હિતમાં શું રજુઆત કરે છે તેના ઉપર નજર રહેલી છે.ત્યારે આગામી સમયમાં ચોમાસુ જામતા ધોધમાર વરસાદ વરસશે તો પાણીનો નિકાલ કેવી રીતે થશે અને કેવી સ્થિતિનું નિર્માણ સર્જાશે તે નગરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.