જંબુસર મહમદી પાર્ક સોસાયટીના પ્રાણ પ્રશ્નોનો નિકાલ નહિ થતાં રહીશોએ પાલિકા ચૂંટણીનો બહિષ્કારની ચિમકી ઉચ્ચારી
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૩ મા મહંમદી પાર્ક સોસાયટીમાં ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઈટની સુવિધા ન મળતાં વોર્ડના સભ્યો અને સત્તાધીશો વિરુદ્ધ અસંતોષ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, જંબુસર નગરપાલિકા પ્રજાની સુખાકારી આપવામાં નિષ્ફળ નીવડી છે.વોર્ડ નંબર ત્રણના આવેલ મહોમ્મદી સોસાયટી મિર્ઝા વાડી પાસે આવેલ છે તેના રહીશો કઈ સદીમાં જીવી રહ્યા છે તે એક પ્રશ્ન છે. કારણ આ સોસાયટીમાં હજુ સુધી ગટર રસ્તા સ્ટ્રીટલાઇટની સુવિધા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી નથીસોસાયટીના રહીશોને છેલ્લા સાત આઠ વર્ષથી સુવિધાના નામે લોલીપોપ અપાઈ રહ્યો છે. સોસાયટીના રહીશો દ્વારા ગટર રસ્તા સ્ટ્રીટ લાઈટ અંગે વારંવાર રજૂઆતો વોર્ડના સદસ્યો નગર પાલિકા સત્તાધીશોને કરવામાં આવી છે.
તેમ છતાં આજ સુધી સુવિધાઓથી વંચિત રહી ગયા છે.જેને લઈ સોસાયટી માં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.બાજુમાં સરકારી ઉર્દુ કન્યાશાળા પણ આવેલી છે.
જ્યાં નાની બાળાઓ અભ્યાસ અર્થે આવન જાવન કરતી હોય છે.સોસાયટીમાં ગંદકીનું એટલું બધું સામ્રાજ્ય છે કે રહીશોને અવર જવર કરવાની ભારે મુશ્કેલી પડી રહી છે.ગંદકીના કારણે તીવ્ર ગંધ પણ ખૂબ જ આવતી હોય છે હાલ સમગ્ર દુનિયા કારોના મહામારીમાં સપડાયેલી છે અને આ ગંદકી જેને લઈ રહીશોમાં અન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.
પાલિકા તંત્ર દ્વારા છ માસથી ગટર લાઈન માટે ભુંગળા નાખી રાખવામાં આવ્યા છે.તે પણ શોભાના ગાંઠીયા સમાન હોય તેમ ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું નથી ફક્ત સોસાયટીના રહીશોના સંતોષ માટે જાણે ગટરલાઈનનો લોલીપોપ આપવામાં આવ્યો હોય તેમ જોવા મળે છે. જેને લઈ રહીશોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ અસંતોષ જોવા મળી રહ્યો છે.આ સહિત સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં ગટર રસ્તા સ્ટ્રીટ લાઈટની સુવિધા નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.