જંબુસર શહેરના ખખડધજ માર્ગોને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ
અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી જામ થયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો |
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
ભરૂચ, જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર ની જનતા તથા પંથક ની જનતા માટે ઉપયોગી એવા ખખડધજ હાલતમાં થઈ ગયેલા રીંગ રોડ સહીતના બિસ્માર થઈ ગયેલા નગરના મુખ્ય માર્ગો બનાવવાની માંગ સાથે ધારાસભ્ય સંજય સોલંકી તથા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ની રાહબરી હેઠળ ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર તાલાયકના કોંગી અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા હતા.
જંબુસર શહેર ના હાર્દસમા ગણાતો અને નગરજનો સહીત પંથક ના પ્રજાજનો માટે અતિ ઉપયોગી ગણાતો રીંગરોડ નગર પાલિકા ના પાપે બિસ્માર હાલત માં છે.તદ્દઉપરાંત ડેપો થી ડાભા ચોકડી નો માર્ગ તથા ડેપો થી પ્લાઝા હોટલ ચોકડી સુધી નો માર્ગ સહીત નગર ના તમામ મુખ્ય માર્ગો બિસ્માર હાલત માં છે અને ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે.આ બાબતે જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદ તલાટી તથા કાર્યકરો દ્વારા નગર પાલિકા ના સત્તાધીશો ને વારંવાર આવેદન પત્ર પાઠવી રીંગ રોડ તથા નગર ના બિસ્માર મુખ્ય માર્ગો બનાવવા રજૂઆત કરી હતી.તેમ છતાંય પાલિકા સત્તાધીશો ના પેટનું પાણી ન હાલતું હોય તેમ રજૂઆત પ્રત્યે આંખ આડા કાં કરતા આજરોજ એસ.ટી ડેપો સર્કલ ખાતે ધારાસભ્ય સંજય સોલંકી તથા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ની રાહબરી હેઠળ ચક્કાજામ નું આયોજન કરી પાલિકા ના ભ્રષ્ટ સત્તાધીશો ની આંખ ખોલવાનો પ્રત્યન કર્યો હતો અને ચક્કાજામ કરી નગર પાલિકા ની ભ્રષ્ટનીતિ તથા પાલિકા માં પ્રવતેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગગન ગજવ્યું હતું।ડેપો સર્કલ ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ સહિત ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસ ના ધારાસભ્ય,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીત કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ની અટકાયત કરી જામ થયેલા ટ્રાફિક ને પૂર્વવત કરાવ્યો હતો.*