જગતપુરમાં આવેલ એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને છ IPL સટ્ટાકાંડના બુકીઓની ધરપકડ
ચાંદખેડામાં IPL સટ્ટાકાંડમાં છ ઝડપાયાઃ દિલ્હી-મુંબઈના બુકીઓના નામ ખુલતાં પોલીસ એકશનમાં
છ મોટા બુકીઓની ગેંગ ઝડપાઈ-પાંચ લેપટોપ, ૧૭ મોબાઈલ સહિત ૪.ર૧ લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ,આઈપીએલની સિઝન ચાલુ થાય એટલે પોલીસનો ટાર્ગેટ બુકીઓ અને સટોડિયાઓને પકડવાનો હોય છે. આઈપીએલ પહેલાં જ પોલીસ તેમના બાતમીદારોને એક્ટિવ કરી દેતી હોય છે અને બાદમાં બુકી અને સટોડિયાઓને પકડવા માટેનું મહાઅભિયાન શરૂ કરે છે. શહેર પોલીસે અત્યાર સુધી પ૦થી વધુ બુકી અને સટોડિયાઓને ઝડપી પાડયા છે ત્યારે ગઈકાલે ચાંદખેડા પોલીસની ટીમને એક મોટી સફળતા મળી છે.
ચાંદખેડા પોલીસે જગતપુર ખાતે આવેલા આંકાક્ષા એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને છ બુકીઓની રંગે હાથ ધરપકડ કરી છે. તમામ બુકીઓ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા, જેમની પાસેથી પાંચ લેપટોપ, ૧૭ મોબાઈલ, ટીવી સહિત કુલ ૪.ર૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આંકાક્ષા ફલેટમાં ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાના રેકેટમાં મોટા માથાઓની સંડોવણી સામે આવી તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
ચાંદખેડા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, જગતપુર પાસે આવેલા આંકાક્ષા ફલેટમાં કેટલાક શખ્સ ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે. બાતમીના આધારે ચાંદખેડા પોલીસની ટીમ પ્લાનિંગ કરીને આંકાક્ષા ફલેટમાં પહોંચી ગઈ હતી, જ્યાં છ બુકીને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે પ્રવિણ ઘાંચી, દીપકકુમાર, યતિન ખુરાના, આશિષ પાલીવાલ, હરેન્દ્ર ડીડેલ અને બસંતકુમારની ધરપકડ કરી છે. પ્રવિણ ઘાંચી સહિત ઝડપાયેલા લોકો મૂળ રાજસ્થાનના છે અને છેલ્લા ઘણા સમયથી જગતપુર પાસે આવેલા આંકાક્ષા ફલેટમાં રહે છે.
પ્રવિણ ઘાંચી સહિતના લોકોએ મહારાષ્ટ્રના રાહુલ ચોરસિયા, દિલ્હીના વિન્ની, સુદીપ જૈન અને અરૂણ પાસેથી મેચની આઈડી લીધી હતી. આઈડીના આધારે તેઓ ખેલી પાસેથી સટ્ટો રમાડતા હતા. આ સિવાય ઝૂમ, મિક્કી તેમજ પેન્થર જેવી ઓનલાઈન એપ્લિકેશન મારફતે રોજરોજ આઈપીએલ પ્રિમિયર લીગની મેચના સોદા ઓનલાઈન કરીને જુગાર રમાડતા હતા.
જુગારના રૂપિયા પ્રવિણ ઘાંચી દિલ્હીના બુકીઓને આંગડિયા પેઢી મારફતે પહોંચાડતો હતો. પોલીસે રેડ દરમિયાનમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સટ્ટાના પર્દાફાશમાં કરોડો રૂપિયાના વ્યવહાર સામે આવે તેવી શક્યતાઓ છે. ઝડપાયેલા બુકીઓના તાર દિલ્હી, મહારાષ્ટ્ર તેમજ બિકાનેર સહિત અન્ય રાજ્યોમાં પણ જોડાયેલા છે.
પોલીસ ખેલીઓ ઉપર હવે તવાઈ બોલાવશે. પ્રવિણ ઘાંચીએ તેની ગેંગ સાથે મળીને સંખ્યાબંધ લોકોને સટ્ટાના રવાડે ચઢાવ્યા હતા અને તેમને આઈડી આપી હતી. પોલીસે તેમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આવનારા દિવસોમાં વધુ નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આંગડિયા પેઢી મારફતે હવાલા થતાં હોવાથી પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડાર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાણી આઈપીએલની મેચ દરમિયાન પોલીસે રેડ કરી હતી.