જગન્નાથજીની જલયાત્રા સોમવારે નીકળશે
સવારે મંદિરથી જલયાત્રા નીકળી સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કરશે |
અમદાવાદ : શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી દર વર્ષની માફક આ વર્ષે અષાઢી બીજના તા.૪-૭-૧૯ના રોજ નીકળનારી ઐતિહાસિક અને પૌરાણિક ૧૪૨મી રથયાત્રા મહોત્સવ પૂર્વે મહ¥વપૂર્ણ જળયાત્રા મહોત્સવ જેઠ સુદ પૂનમના તા.૧૭-૬-૧૯ સોમવારે ઉજવાશે.
આ પ્રસંગે જગન્નાથ મંદિરથી સવારે ૮ કલાકે શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા-પૂજન કરવા નીકળશે. પૂજન બાદ નદીએથી ૧૦૮ કળશમાં જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧ કલાકે ભગવાન જગન્નાથજીના અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર દર્શન થશે.
આ મહોત્સવ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે અમદાબાવા સેવા સંસ્થાનના (જામનગર) પ.પૂ.મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ આશીર્વચન માટે ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષમાં રાજ્ય કક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા શહેરના મેયર બીજલ પટેલ, ડે.મેયર દિનેશ મકવાણા, ઉદ્યોગપતિઓ અને મ્યુનિ. કાઉન્સિલરો, સાંસદ સભ્યો, ધારાસભ્ય સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.