જગન્નાથજી મંદીર પરિસર અને આસપાસનો વિસ્તાર રૂ.૧૦૦ કરોડના ખર્ચથી ડેવલપ થશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના ઐતિહાસિક જગન્નાથજી મંદીર પરિસર અને તેની આસપાસના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે. મંદીરના ટ્રસ્ટી મંડળે કરેલ વિનંતી ને ધ્યાનમાં લઈને મ્યુનિ. કોર્પોરેશને એરીયા ડેવલપમેન્ટ માટે ડીટેઈલ ડીઝાઈન કરવાની તૈયારી શરૂ કરી છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોજેકટનો ડી.પી.આર. તૈયાર કરીને રાજય સરકારને સબમીટ કરવામાં આવશે તથા સરકારની લીલીઝંડી મળ્યા બાદ પ્રોજેકટ પર કામ શરૂ કરવામાં આવશે. જગન્નાથજી મંદીર પરિસર અને આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે રૂ.૧૦૦ કરોડનો ખર્ચ થશે.
શહેરના જગવિખ્યાત જગન્નાથજી મંદીર તેની આસપાસના વિસ્તારને નવો ઓપ આપવા માટે તૈયારીઓ શરૂ થઈ છે. મ્યુનિ.કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ મંદીર પરિસરને શકિતપીઠ અંબાજીની જેમ ડેવલપ કરવામાં આવશે. જેમાં રોડની બંને તરફ દુકાનો ડેવલપ થશે. મંદીરની નજીક આવેલ હાથીખાતા પ્લોટને ડેવલપ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
જેના માટે પ્લોટમાં વસવાટ કરતા નાગરીકને રહેવા માટે વૈકલ્પીક વ્યવસ્થા આપવામાં આવશે. હાથીખાતાથી રીવરફ્રન્ટ સુધી ચારલેનનો રોડ બનાવવા મટો પણ આયોજન થશે. હાથીખાતા પ્લોટમાં આકર્ષક લેન્ડ સ્કેપીંગ તૈયાર થશે. રથયાત્રા પહેલા “જળયાત્રા”ના ઉત્સવની ભવ્ય ઉજવણી થાય છે. તેથી જળયાત્રા રૂટને નવેસરથી વિકસાવવામાં આવશે.
જમાલપુર દરવાજાથી જળયાત્રા રૂટ પણ ડેવલપ થશે.જગન્નાથજી મંદીર પરિસરની બાજુમાં ટુ-લેયર પાર્કીગ પણ ડેવલપ થશે. મંદીર પરિસર અને તેની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે જીઓ ટેકનીકલ સર્વે કરવામાં આવશે. જેના માટે રૂ.૭પ હજારનો ખર્ચ થશે. એરીયા અને પરિસર ડેવલપમેન્ટ ડીટેઈલ ડીઝાઈન તૈયાર કરવા અને પ્લાન મંજુરી માટે કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિયુકત કરવામાં આવેલ કન્સલટન્ટની ડીટેઈલ ડીઝાઈન ના આધારે મનપા દ્વારા ડીપીઆર તૈયાર કરવામાં આવશે. જેને રાજય સરકારની મંજૂરી માટે સબમીટ કરવામાં આવશે. રાજય સરકાર તરફથી ગ્રીન સીગ્નલ મળ્યા બાદ પ્રોજેકટના અમલીકરણ માટે ખાસ કમીટીની રચના કરવામાં આવશે. જેના રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિ મંદીર ટ્રસ્ટી મંડળના સભ્ય નિષ્ણાત આકીટેકેટ ઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
મંદીર પરિસર અને એરીયા ડેવલપમેન્ટ માટેના તમામ નિર્ણય કમીટી દ્વારા જ લેવામાં આવશે. સદ્દર પ્રોજેકટ માટે રૂ.૧૦૦ કરોડનો ખર્ચ થવાની શકયતા છે. રાજય સરકાર અને મંદીર ફંડમાંથી પ્રોજેકટનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના શિરે માત્ર પ્રોજેકટ અમલીકરણની જ જવાબદારી રહેશે. સમગ્ર પ્રોજેકટ પર રાજય સરકારની સીધી દેખરેખ હેઠળ તૈયાર થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.