જનભાગીદારી યોજના અંતર્ગત ૫૧૩ સોસાયટીના કામ બાકીઃ સરકાર પાસે રૂા.૧૪૦ કરોડના બાકી લેણા
રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ રકમ આપી નથી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,
રાજય સરકાર દ્વારા ર૦૧રની વિધાનસભા ચૂંટણી પહેલા જનભાગીદારી યોજના જાહેર કરવામાં આવી હતી. ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી. રોડ, ડ્રેનેજ લાઈન, પાણીના નેટવર્ક તથા સ્ટ્રીટ લાઈટના કામ જનભાગીદારી યોજના અંતર્ગત કરવામાં આવી રહયા છે. સદ્ર યોજનામાં રાજય સરકાર તરફથી ૭૦ ટકા રકમ આપવામાં આવે છે. જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૦ ટકા અને ર૦ ટકા રકમ લોકફાળાની રહે છે. જન ભાગીદારી યોજનામાં ફેબ્રુઆરી- ર૦ર૦ સુધી આઠ હજાર કરતા વધુ કામ પુર્ણ કરવામાં આવ્યા છે. જયારે રપ૬ જેટલા કામ પ્રગતિ હેઠળ છે. કોરોના અને લોકડાઉનના કારણે સરકારની આવક ઉપર પણ મોટી અસર થઈ છે તેથી રાજય સરકારે ૭૦ ટકા રકમના બદલે સોસાયટીમાં પરિવાર દીઠ રૂા.રપ હજાર ફાળો આપવા જાહેરાત કરી છે. મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં જનભાગીદારી યોજનામાં ત્રણથી ચાર ગણી રકમ મળવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારની જાહેરાત બાદ મનપાના બજેટ અને જાહેરાત પર મોટી અસર થાય તેવી શકયતા છે જયારે છેલ્લા રીપોર્ટ મુજબ પ૦૦ કરતા વધુ સોસાયટીઓમાં રૂા.૬૯ કરોડના કામ બાકી રહયા છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત ર૦૧રમાં જાહેર કરવામાં આવેલી જનભાગીદારી યોજના અંતર્ગત મનપાને આર.સી.સી રોડ, લાઈટ, પાણી અને ડ્રેનેજના કામ માટે ૯૦૬૭ ખાનગી સોસાયટીઓ તરફથી અરજી મળી હતી જે પૈકી ૮૯૧૪ કામ મંજુર કરવામાં આવ્યા હતા જેની વહીવટી મંજુર ટેન્ડર- પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં રૂા.૮૬૭.૪૮ કરોડના કામ મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકી રૂા.૬૭૯.૬૩ કરોડના કામ પુરા થયા છે. સામાન્ય વિસ્તારોમાં મનપા દ્વારા આર.સી.સી. રોડ માટે રૂા.પ૭પ કરોડના ખર્ચથી પ૦૧૦ કામ પુરા કરવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈનની ર૬૭ અરજી મળી હતી.
જે પૈકી રૂા.૭.૮૩ કરોડના ખર્ચથી ર૧ર કામ પુરા થયા છે. જયારે પાણીની લાઈન માટે રૂા.ર૩.પ૩ કરોડના ખર્ચથી ૭૦૮ કામ પુરા થયા છે. જનભાગીદારી યોજના અંતર્ગત ગરીબ અને પછાત વિસ્તારોમાં રૂા.૩૬.૯પ કરોડના ખર્ચથી ૩૧૩ સ્થળે આર.સી.સી. રોડ કામ કરવામાં આવ્યા છે, જયારે ડ્રેનેજ લાઈનના ૧૯ કામ માટે રૂા.૪૬.૧ર લાખ તથા પાણીની પાઈપ લાઈનો માટે રૂા.૧.રર કરોડના ખર્ચથી ૪૮ કામ પુરા થયા છે તેમ છતાં પ૧૩ સોસાયટીઓમાં જનભાગીદારી યોજનાના કામ બાકી રહયા છે. લગભગ એક વર્ષ પહેલા મ્યુનિ. કોર્પોરેશને ૯૧૩ સોસાયટીના બાકી કામ માટે લીસ્ટ તૈયાર કરી સરકારને મોકલી આપ્યુ હતુ જેમાં બાકી કામ પેટે રૂા.૭૪.૭પ કરોડની માંગણી કરવામાં આવી હતી.
એક વર્ષ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ મોટો ફરક પડયો નથી. મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા અપડેટ કરવામાં આવેલ છેલ્લી યાદી મુજબ રૂા.૧ર૭.૬૦ કરોડના કામ પ્રગતિ હેઠળ છે. જેના ૭૦ ટકા લેખે રૂા.૮૯ કરોડ સરકાર પાસેથી લેવાના છે જેની સામે સરકાર દ્વારા રૂા.૪૬ કરોડ આપવામાં આવ્યા છે. આમ જન ભાગીદારી યોજના અંતર્ગત ચાલી રહેલા કામ પેટે સરકાર પાસેથી રૂા.૪૩ કરોડના લેણા બાકી છે. જયારે પ૧૩ સોસાયટીમાં રહેતા ૩ર૮૭પ પરીવારોના બાકી કામ પેટે રૂા.૬૯ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે જેના ૭૦ ટકા લેખે ગણત્રી કરવામાં આવે તો રૂા.૪૮ કરોડ લેવાના થાય છે. આમ સરકાર પાસેથી જનભાગીદારી યોજના અંતર્ગત રૂા.૯૧ કરોડના લેણા બાકી છે. રાજય સરકાર દ્વારા નવી જાહેરાત મુજબ કુટુંબ દીઠ રૂા.રપ હજાર આપવામાં આવે તો રૂા.૬૮.૬ર કરોડના કામ સામે રૂા.૮ર કરોડની રકમ થાય છે તેથી સરકાર ૭૦ ટકા લેખે જ ફાળો આપી શકે છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ સરકાર દ્વારા જનભાગીદારી યોજના પેટે કોઈ જ રકમ ફાળવવામાં આવી નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ ખર્ચ કરવામાં આવ્યો છે જેના ૭૦ ટકા લેખે સરકાર પાસેથી રૂા.૧૪૦ રોડ અલગથી લેવાના બાકી નીકળે છે. ર૦૧ર-૧૩માં વિધાનસભા ચૂંટણી સમયે રાજય સરકાર દ્વારા જનભાગીદારી યોજના જાહેર કરવામાં આવી હતી. તે સમયે રૂા.૨૦૦ કરોડ ફાળવ્યા હતા. ૨૦૧૩-૧૪માં રૂા.૯૬.૫૮ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂા.૧.૭૦ કરોડની ગ્રાન્ટ આપી હતી. ૨૦૧૫-૧૬માં મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણી હોવા છતાં રાતીપાઈ પણ ફાળવવામાં આવી ન હતી.
૨૦૧૬-૧૭માં સરકારે રૂા.૧૦૫ કરોડ આપ્યા હતા. ૨૦૧૭-૧૮માં સરકારે કોઈ રકમ આપી નહતી. ૨૦૧૮-૧૯માં રૂા.૩૮ કરોડ આપ્યા હતા. ૨૦૧૯-૨૦માં કોઈ જ રકમ આપી ન હતી. ૨૦૨૦-૨૧માં સરકાર હજી સુધી રકમ ફાળવી નથી. આમ મ્યુનિ.કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં જનભાગીદારી યોજના અંતર્ગત રૂા.૧૫૦ કરોડની ગ્રાન્ટ દર્શાવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ૨૦૧૯-૨૦માં પણ જનભાગીદારી યોજના હેઠળ રૂા.૬૮ કરોડ મળવાની અપેક્ષા હતી. જે રીવાઈઝ્ડ કરી રૂા.૫૦ કરોડ કરવામાં આવી હતી. પરંતુ સરકાર તરફથી કોઈ જ રકમ મળી નહતી.