Western Times News

Gujarati News

જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલ બાળકી પર જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

અઢી કિલોનું વજન ધરાવતી કોવિડ-૧૯ પોઝિટિવ બાળકી ઉપર “ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા” ની સફળ સર્જરી થઈ

બાળકીનું ઓપરેશન કેમ અતિ જટિલ હતું?

બાળકીની ખુબ જ નાની વય ,સર્જરી એટલી જ જટિલ હોય છે

શ્રમિક પરિવારની આ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલા  હતું. જે  દર ૫,૦૦૦ બાળકે જોવા મળતી સમસ્યા હતી.

ઓપરેશન બાદ શ્વાસનળી ઉપર સતત લાળના સ્ત્રાવનું જોખમ હતું

ફેફસામાં ઇન્ફેક્શનનું જોખમ હતું તેમ જ કોવિડ-૧૯ નું સંક્રમણ પણ હતુ

કોરોનાના કપરા કાળમાં અમદાવાદ સિવિલના ડોક્ટર્સે જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને એક શ્રમિક પરિવારમાં ખુશીની લહેર પ્રસરાવી

કહેવાય છે કે કાળા માથાનો માનવી જો ધારી લે તો કશું જ અસંભવ નથી હોતું. અસંભવને સંભવ બનાવતી અને તબીબોની હિંમત માટે દાદ માગી લે તેવી એક ઘટના અમદાવાદ સિવિલમાં બની છે જેમાં ડોક્ટર્સની ટીમ્સે માત્ર બે દિવસની  કોવિડ-૧૯ પોઝિટિવ બાળકી ઉપર ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની સફળ સર્જરી કરીને માત્ર એ બાળકીને નવજીવન જ બક્ષ્યું નથી, આ કપરા કાળમાં એક શ્રમિક પરિવારમાં આનંદની કિલકારીઓ પણ ગૂંજતી કરી છે.

આ વાત નવજન્મેલ માત્ર અઢી કિલો વજન ધરાવતી બાળકીની છે. જેતપુરની એક સ્થાનિક હોસ્પિટલમાં ૧૫ એપ્રિલ, ૨૦૨૧ના દિવસે જગતભાઈ અને હેતલબા ઝાલાની પુત્રીનો જન્મ થયો હતો. જગતભાઈ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં શ્રમિક તરીકે કામ કરીને આજીવિકા મેળવે છે. બાળકીના જન્મ બાદ દંપતિ શેર માટીની ખોટ પુરાવાથી ખુશખુશાલ હતું. પણ એવામાં પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો.

બાળકીના જન્મ બાદ જાણવા મળ્યું કે બાળકી ખોરાક લઇ શકતી નહોતી અને તેને ફીણ સાથે ઉલટી થતી હતી. ટૅસ્ટ બાદ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલા નામની સમસ્યા હોવાનું નિદાન થયું.

સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, “આ  બાળવિકાસને લગતી એવી જન્મજાત સમસ્યા છે કે જેમાં અન્નનળીનો ઉપરનો ભાગ બ્લોક હોય બાકીનો અડધો ભાગ શ્વાસનળી સાથે જોડાયેલો રહે.જે કારણોસર બાળકને ભોજન લેવું અશક્ય બની રહે.

બાળકીના જન્મના બીજા જ દિવસે જ તબીબોએ સ્થિતિની ગંભીરતા જોઇને બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જિકલ મેનેજમેન્ટ માટે રિફર કરી હતી.

અમદાવાદ સિવિલમાં વધુ એક ગંભીર સમસ્યા આ ગરીબ પરિવારની જાણે પ્રતીક્ષા કરી રહી હતી. સિવિલમાં જે દિવસે સવારે ઓપરેશન થવાનું હતું તેના એક દિવસ પહેલા જ બાળકી કોવિડ-૧૯ માટે RTPCR પોઝિટિવ હોવાનું નિદાન થયું. શ્વસનની તકલીફના લીધે બાળકીને હાઇ ફ્લો ઓક્સિજન પર શિફ્ટ કરાઈ.

તબીબો સહિત આખી ટીમ ઉપર કોવિડ-૧૯ની મહામારીનું જોખમ ઝળુંબતું હોવા છતાં તબીબોએ નવજાત બાળકીનો જીવ બચાવવા ૧૮ એપ્રિલે અતિ જટિલ કહી શકાય તેવી સર્જરી કરી. નાના બાળકોના કિસ્સામાં વય જેટલી ઓછી હોય, સર્જરી એટલી જ જટિલ હોય છે. પીડિયાટ્રિક સર્જરીના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ  દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના  આસિ. પ્રૉફેસર ડૉ. સીમા ગાંધીના વડપણ હેઠળ ઍનિસ્થેટીઝની   ટીમ ખડે પગે હતી. સર્જરી બાદ બાળકીને ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડાઇ, જ્યાં વધુ ૩ દિવસ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. અહીં ડૉ. ગાર્ગી પાઠક, ડૉ. આરિફ વોહરા અને ડૉ. અંકિત ચૌહાણની પિડિયાટ્રિશિઅન્સની ટીમે બાળકીની સંભાળ લીધી.

ધીરે ધીરે ડૉક્ટર્સની જહેમત રંગ લાવવા લાગી. પહેલા બાળકીને ઍરવો મશીન પર શિફ્ટ કરાઈ અને પછી હળવેથી ઑક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો. ઑપરેશનના બીજા જ  દિવસથી ટ્યુબ ફિડિંગ પણ શરૂ થઈ ગયું હતું. ઑપરેશનના બારમાં દિવસે ડાઇ સ્ટડી કરાયો, જેમાં કોઇ લિકેજ ન હોવાનુ સાબિત થયું. પછી બાળકીને ચમચી દ્વારા ખોરાક આપવાનું શરૂ કરાયું અને બાદમાં તમામ ટ્યૂબ્સ હટાવી લેવાઇ. હવે બાળકી તેના ઘરે જઇને આનંદનો કિલકિલાટ કરવા સજ્જ બની છે.

આ બાળકીના કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના અધિક મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને પિડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે “ટ્રેકિઓ-એસોફૅગિઅલ ફિસ્ટુલા એ દર ૫૦૦૦ દીઠ એક બાળકમાં જોવા મળતી જન્મજાત સમસ્યા છે. તેની સાથે અન્ય તકલીફો જોડાયેલી પણ હોઇ શકે છે. આ સર્જરીના પરિણામનો આધાર અન્નમાર્ગના બંને છેડા વચ્ચેના અંતર ઉપર તેમજ ફેફસાની પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે. આમાં બાળક લાળ ગળી શકતું નથી

તેથી શ્વાસનળી ઉપર સતત લાળના સ્ત્રાવનું જોખમ હોય છે. અધૂરામાં પૂરું… અન્નમાર્ગ અને શ્વાસનળી વચ્ચેનું ઍબનોર્મલ કમ્યૂનિકેશન ફેફસાં પર ઇન્ફેક્શનનું જોખમ પણ સર્જે છે.  આ બિમારીના કિસ્સામાં, તેમજ આ બિમારી હૃદયની તકલીફ સાથે જોડાયેલી હોય તેવા કિસ્સામાં મૃત્યુ અને મોર્બિડિટી, બંનેનું પ્રમાણ ઊંચું હોય છે. આ વખતે તો કોવિડ-૧૯ એ આવી ગંભીર સર્જરીને વધુ પડકારજનક બનાવી દીધી હતી.”

સદભાગ્યે હવે આ બાળકીને હવે સર્જરી કે કોવિડ-૧૯ સાથે જોડાયેલી કોઇ તકલીફ નથી. બાળકીને વેન્ટિલેટરની જરૂર પડે તેવી તકલીફ પણ નથી. પિડિયાટ્રિશિઅન્સ અને પિડિયાટ્રિક સર્જન્સની ક્ષમતાએ આ બાળકીને નવજીવન પૂરું પાડ્યું છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ જે. વી. મોદી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલ બાળકોની અને અન્ય પ્રકારની સર્જરીઓ માટેની કોવિડ અને નોન-કોવિડ  અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.. છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ માં અતિ જટિલ અને જૂજ પ્રમાણમાં જોવા મળતી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.ઉક્ત  પ્રકારની જટિલ સર્જરી તેનું દૃષ્ટિવંત ઉદાહરણ પૂરું પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.