જન્માષ્ટમીએ ડબ્બામાં પુરાયેલી ગાયોને છોડવાની પરંપરા પણ ભૂલાઈ
અમદાવાદ, સોમવારે જન્માષ્ટમી પર્વની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પર્વ પ્રસંગે અમદાવાદમાં વર્ષ ૧૯૮૪થી મ્યુનિ.કોર્પોરેશને ડબામાં પુરેલી ગાયો છોડી મૂકવાની એક પરંપરા હતી, જે છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ નિભાવવામાં આવી નથી.જેનું પશુપાલકોને ભારોભાર દુખ છે. ભગવાન કૃષ્ણ ગોવાળિયા હતા તેમને ગાયો અતિપ્રિય હતી તેમના જન્મ પ્રસંગે ગાયોને મુક્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદ મેળવવાની સાથે પશુપાલનનો વ્યવસાય જીવંત રહે તે મુખ્ય હેતુ અને ભાવના હાલ ભુલાઇ રહી છે.
ત્રણેક વર્ષ પહેલા હાઇકોર્ટનો હુકમ હતો કે ‘દંડ કે ચાર્જ વગર ગાયો છોડવી નહીં’ આ આદેશના અનુસંધાને ગાયો છોડવામાં આવી રહી ન હોવાનું મ્યુનિ.તંત્ર કારણ આગળ ધરી રહ્યું છે. હાલમાં અમદાવાદના મ્યુનિ.ડબામાં કુલ ૧,૧૦૦ જેટલી ગાયો પુરાયેલી છે. જે આ જન્માષ્ટમીએ પણ ડબામાં જ પુરાયેલી રહેશે.
આ અંગે માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ અમદાવાદ શહેરના મેયરને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં ઉલ્લેખ મુજબ જન્માષ્ટમી પર્વ નિમિતે ગાયોને ડબામાંથી મુક્ત કરવાની ૩૪ વર્ષ જુની પરંપરાને મ્યુનિ.તંત્રે નિભાવવી જાેઇએ. એકબાજુ ગાયોને માતાનું સ્થાન અપાય છે અને બીજી બાજુ ગાયોને કેદ કરી દેવાય છે. હાઇકોર્ટનો આદેશ રેગ્યુલર આદેશ છે સ્પેશિયલ જન્માષ્ટમીને ધ્યાને લઇને કરાયેલો આદેશ નથી. જન્માષ્ટમીએ ગાયો ન છોડવી તેવું હાઇકોર્ટનું અવલોકન નથી.
મેગાસિટી અમદાવાદમાં રોડ પર રખડતી ગાયોને પકડીને મ્યુનિ.ડબામાં પુરવાની પ્રક્રિયા બારે માસ ચાલે છે. તેના માલિક સામે એફઆઇઆર નોંધવામાં આવે છે, મોટી રકમનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવે છે.શહેરમાં ગાયોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવાની વ્યવસ્થાના ભાગરૂપે આ આખી પ્રક્રિયા છે.
તેનો વિરોધ નથી. પરંતુ ગાયને માતા કહો છો તો વર્ષમાં એક વખત એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસના શુભ પ્રસંગ નિમિતે ગાયોને ડબામાંથી મુક્ત કરવાની પરંપરા બંધ કરી દેવી તેની સામે માલધારીઓનો વિરોધ છે. વપર્ષ ૧૯૮૪માં મ્યુનિ.મેયરે જન્માષ્ટમીએ ગાયો છોડવાનો ઠરાવ કર્યો હતો તે ઠરાવનું પાલન આ એક દિવસ પુરતું કરવું જાેઇએ. સ્માર્ટસિટી અમદાવાદમાં રોડ પર રખડતી ગાયો સિવાયના અનેક પ્રશ્નો શહેરીજનો વેઠી રહ્યા છે આ પ્રશ્નોના ઉકેલમાં પણ મ્યુનિ.તંત્રે કડકાઇ દાખવી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવો જાેઇએ તેવી પણ માંગણી કરાઇ છે.
માલધારી એકતા સમિતિના જણાવ્યા મુજબ ગૌહત્યા, ગાયોની ચોરી જેવી ગુનાખોરી હજુ યથાવત છે. કાયદો બન્યો હોવા છતાંય તેનું પાલન કરવામાં આવતું નથી. કસાઇઓ ગાયોને ચોરીને સીધી કતલ ખાને લઇ જઇ રહ્યા છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી ગાયો ચોરી થવાના કિસ્સાઓ પણ અવાન-નવાર સામે આવી રહ્યા છે. આ મામલે પણ મ્યુનિ.તંત્રે કડક અમલવારી કરવી જાેઇએ.
વર્ષ ૨૦૨૦માં અમદાવાદ શહેરની આજુબાજુમાં આવેલા ૩૮ જેટલા ગામોને મ્યુનિ.વિસ્તારમાં ભેળવી દેવાયા હતા. આ ગામોમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કોર્પોરેશનમાં આ વિસ્તારોનો સમાવેશ થતા મ્યુનિ.તંત્ર દ્વારા ગાયોને ઘર આંગણેથી ઉપાડી જવાય છે. આ સ્થિતિમાં અનેક પરિવારોની રોજગારી છીનવાઇ છે.HS