જન્માષ્ટમીના રહસ્યોને સમજી તેની અલૌકિક ઉજવણી કરીએ
ભારતમાં ઉજવાતા તહેવારોમાં શ્રીકૃષ્ણ જન્મના સંદર્ભમાં ઉજવાતી જન્માષ્ટમી એક મહત્વપૂર્ણ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઉત્સવ છે. સદીઓથી આ પર્વની ઉજવણી આપણે એક આનંદોત્સવ રૂપે કરતાં આવ્યા છીએ. સમાન્ય રીતે આ ઉત્સવના દિવસને આપણે દેવ-દર્શન, પુજા-પાઠ, ઉપવાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે કરી પૂરો કરીએ છીએ. સમયાંતરે આમાં પણ વિકૃતિ આવતી ગઈ અને જુગાર રમવા સુધી પહોંચી ગયા, આપણે સૌ જાણીએ છીએ કે જુગાર એક સામાજિક બદી છે.
વાસ્તવમાં આ ઉત્સવ પાછળ અનેક ગુઢ રહસ્યો છુપાએલા છે. જેની અજ્ઞાનતાને કારણે આપણે ખુબજ સાધારણ સ્વરૂપે તેની ઉજવણી કરીએ છીએ. આ પર્વ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા એવા છે કે જે અનેક રહસ્યોથી ભરેલા છે. મોટાભાગના મુદ્દાઓ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ અને પુર્ણ પુરુષોત્તમ એવા આપણા લાડીલા શ્રીકૃષ્ણ વચ્ચેના સંબધોને લગતા છે જે જન્માષ્ટમીના રહસ્યો સાથે સીધા જોડાયેલા છે. તેમાં કેટલાંક ધ્યાન દોરે તેવા મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
· શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે થયો. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ માસ વાસ્તવમાં જ્યોતિર્લિંગમ શિવ પરમાત્માની મહિમાનો તેમજ આરાધનાનો માસ છે. અને આવા શિવ મહિમાના માસમાં શ્રીકૃષ્ણનો જન્મ થવો તે ખુબજ સાંકેતિક છે.
· સર્વ ધર્મની આત્માઓના પરમ પિતા પરમાત્મા શિવનો જન્મ દિવસ શિવરાત્રીના રૂપમાં ઉજવવામાં આવે છે. જે વર્ષ દરમ્યામ જન્માષ્ટમીના પહેલા આવે છે. આ ઉપરાંત પરમાત્મા શિવનો જન્મ અથવા અવતરણ તેમજ શ્રીકૃષ્ણના જન્મનો સમય પણ એક જ છે. જે રાતના બાર વાગ્યાનો છે આ બાબત કોઈ આકસ્મિક ન હોય શકે. આની પાછળ છુપાયેલા મર્મને સમજવાની જરૂરત છે.
· શ્રાવણ માસ શ્રવણ શબ્દ પરથી ઉતરી આવેલો છે. શ્રવણ અર્થાત સાંભળવું. અર્થાત શ્રાવણ માસમાં આવતા શ્રીકૃષ્ણના જન્મને શ્રવણ સાથે પણ કોઈ ચોક્કસ સંબંધ છે. પણ આ શ્રવણ કયું તે આપણે સમજવું પડશે.
· શ્રાવણ માસ એ વર્ષાનો માસ છે. અને આવા વર્ષાના માસમાં શ્રીકૃષ્ણનો જન્મ પણ ખુબજ સાંકેતિક છે.
ઉપરોક્ત રહસ્યોના મર્મને આપણે સમજીશુ તો આ પવિત્ર પર્વની ઉજવણી આપણે સાચા અર્થમાં કરી શકીશું. વાસ્તવમાં જન્માષ્ટમીનું પર્વ આત્મદર્શન કરી આત્મોન્નતિ કરવાનું તેમજ પરમાત્મા અભિમુખ બનવાનું પર્વ છે. આપણામાં રહેલા કૃષ્ણત્વને પુનઃ જાગૃત કરવાનું પર્વ છે. ઉપરોક્ત રહસ્યોના મર્મને સમજવા માટે આપણે પુરુષ,પ્રકૃતિ તેમજ પરમાત્મા વચ્ચે આ ધરતી પર ખેલાઈ રહેલા બેહદના વિશ્વનાટકને સમજવું પડશે.
આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના દરેક ધર્મોએ તેમજ મોટાભાગની પુરાતન સંસ્કૃતિઓએ પૃથ્વી રંગમંચ પર ખેલાઈ રહેલા આ વિશ્વ નાટકને એક ચક્ર (cycle) ના રૂપમાં વર્ણવ્યું છે. મનુષ્ય આત્માઓ, પ્રકૃતિના તત્વો તેમજ પરમાત્મા વચ્ચે ખેલાઈ રહેલું આ નાટક એક ચક્રના રૂપમાં અનાદિ સમયથી ચાલતું આવ્યું છે અને તે અનંત સુધી ચાલતું રહેશે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ આ ચક્રનો ઉલ્લેખ કલ્પ તરીકે કરવામાં આવ્યો છે.
જેના બે ભાગ બતાવવામાં આવ્યા છે ચક્રની શરૂઆતનો અડધો ભાગ બ્રહ્માનો દિવસ અને પછીનો અડધો ભાગ બ્રહ્માની રાત્રી કહેવાય છે. બ્રહ્માના દિવસ તેમજ રાત્રિના બે બે ભાગને યુગ કહેવામા આવે છે. અર્થાત આ સૃષ્ટિચક્ર ચાર યુગોનું બનેલું છે. ચક્રની શરૂઆત શ્રેષ્ઠ એવા સતયુગથી થાય છે અને ત્યારબાદ ત્રેતાયુગ, દ્વાપરયુગ પસાર કરી કનિષ્ક કળિયુગના અંતિમ સમય સુધી પહોંચે છે.
પરંતુ કનિષ્ક કળીયુગ પછી પાછા શ્રેષ્ઠ સતયુગની સ્થાપના થાય છે. અને ચક્રનું પુનરાવર્તન થાય છે. આનો પણ સ્પષ્ટ ઉલ્લેખ ગીતામાં કરવામાં આવ્યો છે. આ કનિષ્ઠથી શ્રેષ્ઠનું મહાન પરિવર્તનનું કાર્ય અર્થાત કળીયુગનો વિનાશ અને શ્રેષ્ઠ સતયુગની સ્થાપના, કળીયુના અંત અને સતયુગની શરૂઆત વચ્ચેના સંગમના સમયે થાય છે.
આશરે ૧૦૦ વર્ષના આ સમયને સંગમયુગ કહેવામા આવે છે. આ મહા પરિવર્તનનું કાર્ય એક કોઈ મનુષ્ય દ્વારા સંભવી ન શકે, ભલે પછી તે દેવાત્મા, ધર્માત્મા કે મહાન આત્મા કેમ ન હોય. આ પરિવર્તનના કાર્ય માટે, અતિ ધર્મગ્લાનિના સમયે આવવાના પોતે આપેલ વચન અનુસાર, જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ બ્રહ્માના તનમાં અવતરણ કરે છે.
વિશ્વની આત્માઓને આત્માનું, પરમાત્માનું તેમજ વિશ્વનાટકના સમગ્ર ચક્રના આદિ, મધ્ય અને અંતનું જ્ઞાન આપે છે અને આ જ્ઞાનના આત્મસાત માટે રાજયોગ શીખવે છે. જેને આપણે પરમાત્મા શિવના જ્ઞાનની જ્ઞાનવર્ષા કહી શકીએ. જેનું શ્રવણ આપણે મનુષ્ય આત્માઓ કરીએ છીએ અને આપણે જીવાત્માઓ તમોપ્રધાન માંથી સાતોપ્રધાન બનીએ છીએ તેમજ પાવન બની આપણું ગુમાવેલું દેવત્વ પુનઃ પ્રાપ્ત કરે છીએ.
સૃષ્ટિચક્ર એ એક કાળચક્ર છે. આ સંદર્ભમાં જોઈએ તો સંગમયુગનો આ સમય રાત્રિના બાર વાગ્યાનો થાય છે, અને આજ સમયે સતયુગી દુનિયાની સ્થાપનાના ભાગ રૂપે સતયુગના પ્રથમ પ્રિન્સ તરીકે આપણાં લાડીલા શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. અર્થાત પ્રથમ પરમાત્મા શિવનું બ્રહ્માના તનમાં.
અવતરણ તેમજ ત્યારબાદ શ્રી કૃષ્ણનો જન્મ બંને સંગમયુગના સમયે જ થાય છે જે સાંકેતિક રીતે સૃષ્ટિચક્રના રાત્રિના બાર વાગ્યાનો સમય છે. એટલે આ સંદર્ભમાં પ્રથમ શિવજયંતિને શિવરાત્રિ રૂપે તેમજ ત્યારબાદ શ્રીકૃષ્ણના જન્મને જન્માષ્ટમીના રૂપે બંનેને રાત્રિના બાર વાગે મનાવવામાં આવે છે.
પરમાત્માની જ્ઞાન વર્ષાનો તેમજ તેના શ્રવણનો સમય પણ આજ છે. એટલે વર્ષાઋતુના શિવમહિમાના શ્રાવણ માસમાં શ્રીકૃષ્ણનો જન્મ ખૂબ જ સાંકેતિક છે. શિવરાત્રિ પછી જન્માષ્ટમી પણ ખુબજ માર્મિક છે. સંગમ યુગની શરૂઆતમાં પરમાત્મા શિવ નું અવતરણ થાય છે. અને પછી સંગમ યુગના અંતની નજદિકના સમયે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે જે સતયુગમાં શ્રી નારાયણના રૂપમાં, સતયુગના મહારાજાના રૂપમાં રાજ્ય કરે છે. આપણે ત્યાં લક્ષ્મી નારાયણના રાજ્યની ખૂબ મહિમા ગાયેલી છે.
ઉપરોક્ત રહસ્યોની ચર્ચાનું મહત્વ આજે એટલે વધી જાય છે કે વર્તમાન સમય, જેમાંથી આજે આપણે પસાર થઈ રહ્યા છે, એ કળીયુગનો અંતિમ સમય છે. દુનિયા વિનાશને આરે આવીને ઊભી છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ. તેને કોઈ અટકાવી શકે તેમ નથી.
આવા વર્તમાન સંગમયુગના સમયે પરમાત્મા શિવ બ્રહ્માના તનમાં અવતરણ કરી ચુક્યા છે અને શાશ્વત આધ્યાત્મિક જ્ઞાનની વર્ષા કરી રહ્યા છે. આ સમયે આપણે સૌ આ જ્ઞાન તેમજ યોગની શિક્ષાનું શ્રવણ કરી પરમાત્માની શ્રીમત પર ચાલી નવી શ્રીકૃષ્ણની દુનિયાની સ્થાપનના કાર્યમાં સહભાગી બનીએ.
આજના સમયે જન્માષ્ટમીનું પણ મહત્વ એટલે વધી જાય છે કે હવે સન્નીકટ ભવિષ્યમાં શ્રીકૃષ્ણ પુર્ણ પુરુષોત્તમ, અર્થાત પુરુષો (આત્માઓ)માં ઉત્તમ, દેવાત્મા તરીકે જન્મ લેશે જે સોળેકળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, સર્વ ગુણોથી સંપન્ન હશે.
તો આવો આપણે પરમાત્મા શિવ વર્તમાન સમયે જે જ્ઞાન યોગની શિક્ષા આપી રહ્યા છે તેને જીવનમાં ધારણ કરીએ અને શ્રીકૃષ્ણના જન્મનું આવહન કરીએ. સાથે સાથે આપણે પણ પુરુષાર્થ કરી દેવી-દેવતા રૂપે શ્રી કૃષ્ણની સાથે સતયુગમાં જવાના આપણાં અધિકારને પ્રાપ્ત કરી લઇ જન્માષ્ટમીના તહેવારને સાચા અર્થમાં ઉજવીએ.