જન્માષ્ટમી પર ભક્તો નહીં કરી શકે દ્વારકાધીશના દર્શન
અમદાવાદ: કોરોના વાયરસના કારણે આ વર્ષે દેશભરમાં ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી છે. હવે જ્યારે ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે.
તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ ૧૦થી ૧૩ ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે. મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે આ ર્નિણય લીધો છે. તેથી ૧૦થી ૧૩ ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.
દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે. ગુજરાતમાં દિવસેને દિવસે સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૦૩૪ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો ૬૭,૮૧૧ પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૭ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨,૫૮૪ થયો છે. જો ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કુલ ૯૧૭ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૦,૩૨૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.sss