જન્માષ્મીની રાત્રે જ રામોલમાં ત્રણ શખ્સોએ યુવાનને રહેંસી નાંખ્યોઃ એક આરોપીની ધરપકડ
(પ્રતિનિધિ)અમદાવાદ, જન્માષ્ટમીની મધ્ય રાત્રિએ જ રામોલ પોલીસ સ્ટેશનની હદમાં બે શખ્સોએ જૂની અદાવતમાં એક યુવકને છરીનાં ઊપરાછાપરી ઘા મારી રહેંસી નાંખ્યો હતો. મરનાર યુવાને થોડાં દિવસ અગાઉ જ માતા આ અંગે બંને શખ્સો જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોવાની વાત કરી હતી. આ બાબતે હત્યારાઓ સાથે મરનાર યુવાનને અગાઉ બેથી ત્રણ વખત ઝઘડો પણ થઈ ચુક્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, મરનાર નિખીલેશ રમાકાંતભાઈ મિશ્રા નામનો યુવાન સંતોષીનગર સોસાયટી વિભાગ-૧, અમરાઈવાડી ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. આશરે પાંચ દિવસ અગાઉ નિખિલેશે તેની માતા ગાયત્રીદેવીને જણાવ્યું હતું કે અજય ઉર્ફે અજ્જુ રમેશભાઈ ખટીક (રહે.વંૃદાવન સોસાયટી, રામરાજ્યનગર, અમરાઈવાડી) તથા સાગર ઉર્ફે શુટર સત્યનારાયણ ખટીક (રહે.ચંદ્રવિહાર સોસાયટી, સુરેલીયા રોડ, રામોલ) પોલીસમાં પોતાની બોગસગીરી કરતા હતા. જેનાં કારણે પોતે એ બંને સાથે વાત કરતાં બેથી ત્રણ વખત ઝઘડો થયો હતો. ઊપરાંત ત્રણ દિવસ અગાઉ ગાયત્રીદેવી ઘરની બહાર ગયા ત્યારે ત્યાં ઊભાં રહેલાં અજ્જુએ તેમને નિખિલેશને મારી નાંખવાની ધમકી આપી હતી.
જન્માષ્ટમીની રાત્રે દસ વાગ્યે નિખિલેશનાં મિત્ર ગોવિંદ નારાયણભાઈ ખટીક સાથે રામરાજ્ય નગર બેઠા હતા. જ્યાંથી સુરેલીયા રોડથી માટલા સર્કલ ચા પીવા જતાં અજ્જુએ નિખિલેશને ફોન કરી પોણા બાર વાગ્યે અમરનાથ સોસાયટી આગળ બોલાવ્યો હતો.
જ્યાં અજય, સાગર તથા અન્ય એક ઈસમ ઊભા હતા. અયે તુ મને કેમ બદનામ કરે છે કે કહી અજય અને સાગર નિખિલેશ પર છરીઓ લઈને તુટી પડ્યો હતો અને શરીરનાં જુદાં જુદાં ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. દરમિયાન અજીતસિંહ નામના વ્યક્તિ નિખિલેશને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ઈજા થઈ હતી.
બાદમાં બંને હત્યારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે નિખિલેશને તેનાં મિત્રો સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. એક આરોપી અજ્જુ ઝડપાઈ ગયો છે. જ્યારે અન્ય બેની શોધ ચાલુ છે.