જન્મ્યા ત્યારે નામ નહીં અને પછી જીવન વ્યવહાર હેમખેમ ચલાવવા અને કોઈને આપણી ઓળખાણ પડે,
અક્કલના ઓથમીર બુદ્ધિપ્રસાદ, દિવેલિયા ચહેરાવાળા હરિસ્મિતા, કંકાસપ્રિય કિલ્લોલિની અને ક્યારેક ગુણ કરતાં ઉધું નામ પડે- હોય ઝીણાભાઈ અને કાયા મોટી ભીમસેન જેવી, હોય શૂરસિંહ અને બિલાડીથી ડરે, હોય કાળીધબ અને નામ સુરંગી.
જન્મ્યા ત્યારે નામ નહીં અને પછી જીવન વ્યવહાર હેમખેમ ચલાવવા અને કોઈને આપણી ઓળખાણ પડે, સલામતી પણ રહે, તેથી આપણને નામ આપ્યું. આપણે સ્વીકાર્યું અને જિંદગીભર એ નામ માટે મરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. ‘ખરેખર આપણે અનામ છીએ’ એનો ખ્યાલ જ રહેતો નથી ! આપણું પોતાનું નામ પણ મોટું અસત્ય છે.
કહેવાય છે કે અરધી માત્રા બચે તો ઘેર ઘોડિયું બંધાયા જેટલો આનંદ થાય એવા મનવાળા પંડિતો હતા, એના ઉપરથી અમે જિંદગીના કેટલાક મહત્વના નિર્ણયો લીધેલા. તેમાંનો એક એ હતો કે, ‘બાપ તો થવું જ’ અને થયા પણ ખરા.
પરંતુ, થોડા દિવસમાં જ અમારા એ આનંદનાં વળતાં પાણી થયાં. કલ્પના ન આવે તેવું કારણ હતું. ગલગોટા જેવો પુત્ર, ઢગલાબંધ અભિનંદનોના હોવા છતાં ગંભીર થવાનું આવ્યું, કારણ, શ્રીમતીએ અમારી વિદ્ધતા ઉપર શ્રદ્ધા રાખીને ‘નામ શું પાડીશું?’ એવો મહાપ્રશ્ન મૂક્યો.
અમે ઘણા વિકટ પ્રશ્નો હલ કરેલા, પણ આ પ્રશ્નમાં અમે ગોથાં ખાવા માંડ્યા. વિચાર કર્યો, પણ તે વેરણ છેરણ થઈ ગયો. મિત્રોને પૂછયું, જોષીને પૂછયું, યાદી ટપકાવવા માંડી અને દરરોજ શ્રીમતીની ટકોર ‘સ… રસ નામ પાડજો’ના હથોડાથી અમારી મતિ પણ ભ્રમિત થવા માંડેલી.
પણ પાછા થોડા પડીએ ? શ્રીમતીને ખુશ કરવા તો આકાશ-પાતાળ એક કર્યાના ભગીરથ દાખલાઓ અમારી જીભને ટેરવે હોય. કલ્પનાશક્તિને સત્તેજ કરી નામો ગોઠવવા બેઠા, રામાયણ, મહાભારત, ભાગવત, પૌરાણિક કથાકોશ, દુનિયાભરના સાહીÂત્યક કોશો અને જોડણીકોશો ઉથલાવવા માંડ્યાં. રાતદિવસ એક કરી નાખ્યાં, પણ કંઈ જામ્યું નહી અને શ્રીમતીના મુખારવિંદ પર પ્રસન્નતા દેખાઈ નહીં.
વિચાર આવ્યો કે, આ અધિકાર તો આપણો નહીં, મૂળ તો ફોઈનો હક એમ પડાવી કેમ લેવાય? ભારતીય સંસ્કૃતિમાં આ અતિમહત્વની કામગીરી બજાવવાનો હક જેને હોય તેની પાસે જ હમણાં નામ પડાવી લઈએ, પછી આગળ જોયું જશે એવો કામચલાઉ નિર્ણય અમારાં ધર્મપત્નીની સંમતિથી અમે લઈ લીધો અને નામ પાડ્યું.
આજે તો યાદ નથી, કેમકે જન્મપત્રિકામાં રાશિ ઉપર ‘ડ, હ’ ઉપરથી જોષી જેવા નિઃસ્પૃહી જીવે પ્રચલિત નામાવલિમાંથી લખી દીધેલું, પરંતુ અમને કોઈને એ નામ ગમતું ન હોવાથી અને બીજા કોઈ અદભુત નામકરણની સફળતા મેળવી ન હોવાથી વચલો રસ્તો કાઢીને કામ ચલાવેલું.
બાબો રડ્યો, બાબો કેવો સરસ છે? અને એમાંથી પછી બકો, બચુ, બબલો, ભઈલો, કિકલો, ટીનુ, ડઘો, ગગો, ટીણિયો, ટીકુ, પપુ- નામો વપરાશમાં આવી ગયાં. પરંતુ, ગભરાય એ બીજા. કારણ, નામ ભલે અનેક, પણ જેનો તે ઉલ્લેખ કરે તે તો એક જ ને ? ‘નામરૂપ જૂજવાં’- જેને જેમ ફાવે તેમ બોલાવે તો વાંધો શો ? અંતે તો ‘પુત્રની વાત એક જ !’
વિષ્ણુને પણ હજાર નામ મળે, ઈશ્વરનાં અનેક રૂપ અને નામ હોય, તો પછી માનવીએ શો ગુનો કર્યો કે એને એક જ નામમાં બાંધી દેવો ? હા, એમાંથી કોઈ વખત રામાયણ ઉભી થાય. પરંતુ એવી રામાયણમાં જ મૂઠી હાડકાના બલભદ્રસિંહ, અક્કલના ઓથમીર બુદ્ધિપ્રસાદ, દિવેલિયા ચહેરાવાળા હરિસ્મિતા, કંકાસપ્રિય કિલ્લોલિની અને ક્યારેક ગુણ કરતાં ઉધું નામ પડે- હોય ઝીણાભાઈ અને કાયા મોટી ભીમસેન જેવી, હોય શૂરસિંહ અને બિલાડીથી ડરે, હોય કાળીધબ અને નામ સુરંગી. આમ નામ અને શરીર વચ્ચેનો સંબંધ જોડતાં ભલભલાની આંખો પહોળી થઈ જાય.
અમે પ્રકૃતિ અને ધંધે રહ્યા લેખક, એટલે અમારી રામાયણ તો એટલી મોટી છે કે વાલ્મીકિ પણ હાંફી જાય. સૌ પહેલાં અમુક લખનાર અમે છીએ એ સંતાડવું પડ્યું. કારણ, નામ ન જાણે તો છાપે અને નામ જાણે તો ન છાપે. આ બેપાંખિયા સાણસામાંથી છટકવા માટે અમારા સંપ્રદાયના પુરોગામી બંધુઓની જેમ અમે પણ તખલ્લુસોનો આશ્રય લીધેલો.
ત્યાં પણ ક્યાં નીરાંત હતી ? એક લઈએ ને બીજું મૂકીએ. ઘણાએ આવું કરેલું. ‘શેષ’ નહીં તો ‘દ્વિરેફ’ અને ‘દ્વિરેફ’ નહીં, તો ‘સ્વૈરવિહારી.’ ધંધો જામ્યા પછી ઘણાએ નામ જ સાચું, તખલ્લુસની ઐસીતૈસી એવી મર્દાનગી બતાવેલી.
કેટલીક વખત ફોઈનો ધંધો બીજા કરે, ત્યારે મશ્કરીમાં એમને ફોઈબા બિરુદ મળતું હોય છે. છતાં એવી અજ્ઞાત ફોઈબાઓએ સમાજમાં અસંખ્ય નામાવલિ ચલણમાં મૂકીને રામાયણ ઉભી કરેલી છે. ચમચો, બાપ, તવો, લપ, બાદશાહ, રાજા, બાપુ, ગુરુ, બોસ, દાદા, શેર, ગાંગડુ, ચÂશ્મસ્ ઈત્યાદિમાં અનેક ગર્ભિત અર્થો જાણકારોને મનોરંજન પૂરું પાડતા હોય છે.
કહેવત તો છે કે, ‘નામ રહંતાં ઠકકરાં,’ પણ અમને જ અમારા પિતાજીના દાદાનું નામ આવડતું નથી. ે‘વોટ ઈઝ ધેર ઈન એ નેઈમ?’ શેક્સપિયરની આ ઉક્તિ કેટલી
સાચી છે ! છતાં નામ પાડવાનો મોહ નથી છૂટ્યો, નહીં છૂટે.
વ્યક્તિ જાતે પોતાનું નામ રાખવા તકતીઓ લગાવડાવે છે, પણ એ દાનેશ્વરીઓનો નામપ્રેમ ટૂંકા અક્ષરોમાં એવું બાષ્પીભવન પામે છે કે મૂળ નામની શોધ કરવી પડે. છતાં કેટલાંક સ્થળોનાં નામોમાં વ્યક્તિઓ દટાઈને પડેલી હોય છે.
મુનશીનો ખાંચો, ભગતની ચાલી, બિરલા ભવન, ન્હાનાલાલ માર્ગ, રણછોડલાલનો ફુવારો, ખંડેરાવ માર્કેટ- કાળના ગર્ભમાં આવાં અસંખ્ય નામો દટાયેલાં પડ્યાં હશે અને મૂળ નામ બદલાઈ જતાં નવા નામો રામાયણ ઉભી કરતાં હશે એનો ઈતિહાસ તો જાણકારો જ આપી શકે. કાળુમિયાંનો તકિયો, ખજૂરીની પોળ, પરબડીનો ખાંચો, કુંભાર ટુકડા, પાંજરાપોળ ગલી નંબર એક વગેરે સ્થળોનાં નામો તો અમારી બુદ્ધિને મહાત કરી શકે તેવાં છે.
ક્યારેક તો રસ્તાઓનાં નામ આપવાની સાઠમારી જાહેર સંસ્થાઓમાં એટલા મોટા પાયા પર થતી હોય છે કે જેનું નામ હોય તેને પોતાના પ્રત્યે નફરત થાય અને નામ પર ચોકડી મૂકવાનું મન થાય. આમેય ચૂંટણીમાં ઘણાં નામો ઉપર ચોકડી મુકાય છે અને એવો ધંધો કરનાર ચંડાળચોકડી, ખાંધિયાઓ, પંચાતિયાઓ, ડાઘુઓ, લુખ્ખા, ગોળનો રવો, જીભનો ડાયાબિટીસ જેવા સમૂહવાચક નામોના ચંદ્રકો મેળવતા હોય છે.
અમને ખબર હતી કે, મહિમા તો માત્ર રામનામનો જ, પણ અત્યારે અમરકોશનો પાઠ કરીએ તોપણ જડે નહીં તેવા નામોનાં, બંગલા ઉપર પાટિયાં લટકતાં હોય છે. કોઈકે ગાયેલું ઃ ‘સિક્કા પડે મુજ નામના.’ લોકશાહીમાં એ જમાનો ગયો, પણ મર્યા પછી તક ખરી.
બધી દિશામાં તંત્રી થઈ અને સ્વતંત્ર રહેઠાણોના સ્થાને સમૂહવસવાટોનો યુગ આવ્યો, એટલે રામાયણ થઈ. “તમારા રહેઠાણનું નામ શું ?” એમ પૂછતાં જ ફલાણા ફલેટ્સ, ઢીંકણી કુંજ, અમુક એપાર્ટમેન્ટ્સ, તમુક સોસાયટી- એવું જ બોલવાનો દા’ડો આવ્યો છે. એટલે વ્યક્તિને શોધતા પહેલાં એને નંબરથી શોધવી પડે, એટલે નામનો મહિમા ઘટ્યો, નંબરનો વધ્યો.
આ ધોરણે નવલકથાઓમાં પણ નામકરણની મોટી રામાયણ પ્રગટ થયેલી હોવાથી લેખકોએ ઘણાં રૂપાળા નામો અજમાવી જોયાં; પછી ‘નામ પર મૂકો પૂળો’ એમ કરીને પાત્રોને અ, બ, ક તરીકે હાજર કરી દીધાં.
નાટકમાં પણ માણસ એક, માણસ બે એવી પરંપરા શરૂ થઈ. લખનારા વધ્યા, નવલકથાઓ વધી, પાત્રો વધ્યાં, પછી બિચારાં નામ ખૂટે નહીં તો શું થાય ? જૂના વાપરે તો ચોરી કહેવાય, નવાં પાડવાની શક્યતા રહી નથી. એટલે આ ઉત્તમ માર્ગ ઝડપી લેખકોએ અપનાવી લીધો છે.
અમારી મુંઝવણ તો બીજી છે. વંશવેલો ભલે વધે, પણ નામની રામાયણ ઘટે તેવું કંઈક કરો. આ યુગના અનેક મહાપ્રશ્નોમાં ‘નામ શું?’ એ મહાપ્રશ્ન અટવાયા કરે છે. એના ઉકેલ માટે દેશમાં, પરદેશમાં, લોકોને છાતી ઉપર, તેમ જ પોતાના ટેબલ ઉપર નામ લટકાવવાનો રિવાજ કેવો કઢંગો લાગે છે ?
ઘણી વાર આપણે માણસોનાં નામ ભૂલી જઈએ છીએ ત્યારે, બોલવું પડે છે ઃ “ક્યાંક મળ્યા હોય એમ લાગે છે.” ઓળખું છું, પણ નામ યાદ આવતું નથી.”
આવા પ્રસંગોમાં અમને આશ્ચર્ય થાય છે કે, આ અનંત વિશ્વની સચરાચર પદાર્થોની સૃષ્ટિ કેટકેટલાં નામો ધારણ કરીને બેઠેલી છે અને છતાં બિચારો બ્રહ્મા, જો જન્મ સાથે નામ આપી દેતો હોય તો કેટલી ઉપાધિ ઓછી થઈ જાય !
સાંભળેલું કે માનવસૃષ્ટિમાંથી આદિકાળમાં જીવો એની પાસે પહોંચેલા અને એમાં સૌ પ્રથમ બ્રાહ્મણોએ શિવશંકર, મહાસુખરામ, રતિપતિપ્રસાદ, વિષ્ણુપ્રિયા નામો મેળવી લીધેલા. ક્ષત્રિયોએ રઘુવીરસિંહ, માનસિંહ, જોરાવરસિંહ, વૈશ્યોએ હીરાલાલ પન્નાલાલ, મોતીલાલ, લક્ષ્મીચંદ અને શૂદ્રોએ એમના હાથમાં આવ્યા તે નામ- અમથો, પૂંજો, કચરો, ધૂળો.
બ્રહ્મા જે કરતો હોય તે, કેમકે, ‘જૂ’ના વરનું નામ અને ‘ઘો’ના વરનું નામ હજુ આપણને આપી શક્યો નથી. એટલે નામની બાબતમાં બ્રહ્માના નામનું નાહી નાખવાનું એમ સમજીને માણસે કાયદો પોતાના હાથમાં લીધો છે અને નામ ન ગમે તો બદલી નાખવા, ગમે તે ઉંમરે પોતાના નામ, અટક વગેરેની અદલાબદલી માટે પ્રોત્સાહિત થયો છે. પેથાભાઈના પ્રદ્યુમ્ન કુમાર અને મંગુનાં મૃણાલિની બને, પછી બિચારા બ્રહ્માને કોણ પૂછે ? છતાં ગમતું નામ શોધવાની રામાયણ તો ભવોભવ ઉભી જ રહેવાની, પણ તેની ફિકર નહીં. બાપ બનવું કોને ન ગમે ? પછી ભલે ગમે તેટલી રામાયણ ઉભી થાય. એની મજા તો ઓર જ છે.
પોલીસખાતાના ચોપડામાં મળતાં નામ- પશા માધા, શકરી સેધા- એવાં અસ્સલ રૂપવાળાં હોય છે, જયારે સુધરેલા સમાજમાં પાછળ લાલ, ભાઈ, દાસ, કુમાર જેવા રંગીન
પૂંછડાંથી શોભી ઉઠતાં હોય છે, અને જયારે ભાઈનું પૂંછડું એવું હોય કે અટપટાં નામમાં બેસતું ન હોય તો, અટકને પણ લગાડવામાં આવે જેમ કે શાહભાઈ, જાનીભાઈ, દેસાઈભાઈ…
વ્યવસાય પ્રમાણે પડતી અટકોમાં નામ- રૂપાલા, મેવાવાલા, દારૂવાલા, મારફતિયા, કાપડિયા, કવિ વગેરે હકીકત પણ બતાવે છે કે માણસે નામકરણની રામાયણમાં અનેક મુંઝવણ છતાં પીછેહઠ કરી નથી !
બાળકો જન્મે એટલે એમને નામનું લેબલ તો લગાવવું જ પડે. મારા મોટા દીકરાનું નામ સુÌદ અને નાના દીકરાનું નામ પ્રજ્ઞેશ પાડ્યું છે, પણ બંને ફરજંદો પાડેલા નામનો અસંતોષ વ્યકત કર્યા કરે છે, પણ હવે બગડેલી બાજી સુધારી શકાય તેમ નથી. એટલે હવે એમનાં ફરજંદોનાં નામ રાખવાનાં આવ્યાં ત્યારે મોટાએ પુત્રનું નામ પાડ્યું, ‘આર્યન’ અને નાનાએ નામ પાડ્યું ‘જય’. જીવતા રહીશું તો જાણવા મળશે કે એમના પિતાશ્રીઓએ પાડેલાં નામથી એમને સંતોષ છે કે નહીં ? ‘નામ તેનો નાશ’એ જાણીએ છીએ, છતાં માણસજાતને નામનો કેટલો બધો મોહ હોય છે ?